જૂનાગઢમાં ટ્રેકટર હડફેટે યુવાનનું મોત, પરિવારમાં શોકની લાગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નરસિંહ મહેતા તળાવ નજીક પેટ્રોલપંપ પાસે બની ઘટના : અરેરાટી

જૂનાગઢ શહેરનાં ટ્રાફિકથી ધમધમતા નરસિંહ મહેતા તળાવ પેટ્રોલપંપ સામે આજે સવારનાં ટ્રેકટર ચાલકે સાયકલ સવારને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતા સાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. બનાવને લઇ પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

જૂનાગઢ શહેરમાં ખાનગી અને ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે. જે નાના-મોટા અકસ્માત સર્જતા રહે છે. શહેરનાં ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર પણ આ પ્રકારના વાહનો દોડી રહ્યા છે જાણે કે તેમને કોઇ રોકવા વાળુ ન હોય. ત્યારે આજે આવા જ એક વાહન હડફેટે યુવાનનું કમકમાટી ભયું મોત નિપજ્યું હતુ.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજે સવારનાં ૧૦:૩૦ વાગ્યાની આસપાસ રામ મંદિર પાસે વંથલી રહેતા અતુલ અમૃતલાલ ચાવડા (ઉ.વ.૩૫) સાયકલ લઇ નરસિંહ મહેતા તળાવ પેટ્રોલપંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા ટ્રેકટર નં. જીજે-૧૧-એમ-૯પ૪૬ નાં ચાલકે બેફીકરાઇ અને પૂરઝડપે ચલાવી સાયકલ સવાર યુવાનને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.

આ બનાવની મૃતકનાં પિતા મગનભાઇ દેવરાજભાઇ ચાવડાએ પોલસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાનનાં મૃત્યુથી પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. અતુલભાઇ ઝાંઝરડા રોડ પર મોચી કામનો વ્યવસાય કરતા હોય વંથલીથી દરરોજ અપડાઉન કરતા હતા. તેઓ સરદારબાગ આગળ પોતાની સાઇકલ રાખી ઝાંઝરડા સિદ્ધરાજ મંદિર આગળ બુટ ચંપલની દૂકાનમાં નોકરી માટે જતા હતા. તેમજ તેમને એક દસ વર્ષનો પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમનાં નાના ભાઇ ત્રણ વર્ષ પહેલા અકસ્માતનાં કારણે અપંગ થઇ ગયા હતા.

- માર્ગો પર બેફામ દોડતા ટ્રેકટરો

નરસિંહ મહેતા તળાવમાંથી હાલ કાંપ કાઢવાની કામગીરી ચાલી રહી છે. તળાવમાં દિવસ-રાત ટ્રેકટર ચાલી રહ્યા છે. આવા ટ્રેકટરો બેફામ ચાલતા હોય અન્યનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. આ અંગે જે તે સમયે પોલીસ કંન્ટ્રોલ ઇન્ચાર્જે પણ ધ્યાન દોયું હતુ.