નવાબંદરનાં દરિયામાં તરૂણની શોધખોળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તરવૈયાઓ દ્વારા સતત ૩૦ કલાકની જહેમત છતાં કોઈ ભાળ નહી : પરિવાર શોકમગ્ન

ઊનાનાં નવાબંદરનાં દરિયામાં ગઇકાલે મુસ્લિમ બાળક ગરક થયા બાદ બોટ અને તરવૈયાઓ દ્વારા ૩૦ કલાકથી વધુની શોધખોળ ચાલુ હોય તેની કોઇ ભાળ ન મળતા પરિવાર શોકમગ્ન બન્યો છે.

તાલુકાનાં નવાબંદર ગામે રહેતા સલીમભાઇ ઓસમાણભાઇ બેલીમ માછીમારીનો વ્યવસાય કરતા હોય અને તેમની અલનીઝામ નામની બોટ જુની જેટીની ખાડીમાં લાંગરેલ હોય અને મોટો પુત્ર સમીર કામ અર્થે બોટ પર હોય અને માતા-પિતા, બે બહેનો અને એક ભાઇ ઘરે હોય ગઇકાલે બપોરનાં અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં નાનો ભાઇ રશીદ (ઉ.વ.૧૧) તેનાં મોટાભાઇને જમવાનું ટીફીન દેવા પહોંચેલ આ સમયે મદીના નામની બોટ પરથી અન્ય બોટ તરફ પગ લાંબો કરવા સમયે અચાનક લપસી જતાં મોટાભાઇની નજર સામે જ રશીદ પાણીમાં ગરક થઇ ગયો હતો. સમીરે આસપાસ કામ કરતા ખલાસીઓને જાણ કરતાં અને આ સમાચાર જેટી પર ફરી વળતા લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડયા હતા. પિતા સલીમભાઇ પણ સ્થળ પર દોડી ગયા હતા.

બપોરનાં સમયે દરિયાનું પાણી જાવકમાં હોય રશીદને શોધવા દરિયામાં પડવું એટલે મોતનાં મુખમાં જવા જેવી પરિસ્થિતી વચ્ચે પણ સાહસિક તરવૈયાઓ અને ખલાસીઓ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં રશીદની કોઇ ભાળ મળી ન હતી. આ સમયે મુસ્લિમ પરિવાર જેટી પર બેસી જઇ પોતાનો માસુમ પુત્ર કયાં ચાલ્યો ગયો એ ચિંતામાં ગ્રસ્ત હતો.

દરમિયાન આજ સવારથી બોટ અને ર૦ થી વધુ તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ ૩૦ કલાકથી વધુનો સમય વીતી જવા છતાં રશીદની કોઇ ભાળ ન મળતા પરિવાર પર જાણે કે આભ ફાટયુ હોય એવા કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

પોલીસ સીમર પહોંચી, નીકળી અફવા

સીમરનાં દરિયામાં કોઇકે બાળકને જોયો હોવાની વાતો વહેતી થવાની સાથે જ પોલીસ કાફલો સીમર પહોંચી ગયો હતો. પરંતુ આ વાત માત્ર અફવા હોવાનું જાણવા મળતા પોલીસ પરત ફરી હતી. આ ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.