વેરાવળનાં કુકરાશમાં ગ્રામજનો રસ્તા પર : કંપનીનાં વાહનો રોક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - વાહનો રોકીને બેઠેલા ગ્રામજનો)

-ગામની ગૌચર અને માલિકીની જમીનમાં ખનન થતું હોવાની રાવ : માઈન્સ પણ બંધ કરાવી વિરોધ પ્રદર્શીત કર્યો
-આક્રોશ : સિમેન્ટ કંપનીની માઈન્સ ગે.કા.ચાલતી હોવાનાં આક્ષેપ સાથે


વેરાવળ: ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળનાં કુકરાશ ગામે અંબુજા કંપનીની માઇન્સ ગેરકાદે ચાલતી હોવાના આક્ષેપ સામે ગ્રામ્યજનો દ્વારા આજે કંપનીનાં વાહનો અટકાવી રોષ વ્યક્ત કરેલ હતો અને ગોચરની જમીનમાં ખનીજ ખનન સાથે ગ્રામ્યજનોને આપેલી બાંહેધરી અને શરતોનું પણ પાલન ન કરતા લોકોએ માઇન્સ બંધ કરાવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્તન વિગતો મુજબ ખનીજ ચોરી માટે એપી સેન્ટર બનેલ ગીર-સોમનાથ જિલ્લામાં થોડા દિવસો પહેલા સુત્રાપાડાનાં લાટી-કદવાર ગામે કરોડોની ખનીજ ચોરી ખૂદ જિલ્લા કલેકટરે ઓચીંતા પાડેલા દરોડામાં પકડી પાડેલ હતી. ત્યારે હાલ વેરાવળ તાલુકાનાં કુકરાશ ગામે અંબુજા કંપની દ્વારા ખનીજ ખનન કરવામાં આવેલ રહેલ હોય જેમાં ભેટાળી, રામપરા, નવાગામ, કુકરાશ ગામે પણ હજારો એકર ગૌચર અને માલિકીની જમીનમાં ખનીજ ખનન થઇ રહેલ હોય તેથી સરકારી નિયમો અને કાયદાનો સરેઆમ ભંગ કરી ખનીજ ખનન શરૂ કરાતા સ્થાનિક લોકો દ્વારા આજે વાહનો અટકાવી માઇન્સ બંધ કરાવી વિરોધ પ્રદર્શિ‌ત કરી બાંહેધરી મુજબ ગામનાં લોકોને રોજગારી સહિ‌તની સવલતો આપવાની માંગણી કરેલ છે.

આ અંગે ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતીનાં પ્રમુખ રજાકભાઇ બ્લોચએ જણાવેલ કે, અંબુજા કંપની વિરૂદ્ધ અવાર-નવાર વ્યાપક ફરિયાદો ખનીજ ચોરીની ઉઠી રહેલ છે. ત્યારે પર્યાવરણ બચાવ સમિતી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરેલ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પણ ખનીજ ચોરી મુદ્દે પીઆઇએલ દાખલ કરેલ જેમાં કંપની દ્વારા ખનીજ ચોરીનાં કરવાના સોગંદનામા રજૂ કરેલ છે તો બીજી તરફ તંત્રની મીઠી નજર હેઠળ બેફામ પણે ખનીજ ચોરી કરવામાં આવી રહેલ હોવાનો આક્ષેપ સમિતી દ્વારા કરાયેલ છે અને જિલ્લા કલેકટર દ્વારા એક માસ પૂર્વે અંબુજા કંપનીને રૂા.ત્રણ કરોડથી વધુ રકમની ખનીજ ચોરી અંગે દંડ ફટકારેલ હોવાનું જણાવેલ છે.