તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાસહાયકની ભરતીમાં શિક્ષણ વિભાગની અસ્પષ્ટતા આફત બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર કાર્યવાહીમાં સુધારો કરવા નોકરી વાંચ્છુકોમાં ઉઠી માંગ

સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી અંગેની જાહેરાત ત્રણ-ત્રણ વાર પ્રસિદ્ધ થઇ ચૂકી છે. ત્યારે છેલ્લી જાહેરાતમાં પણ શિક્ષણ વિભાગની અપૂરતી સ્પષ્ટતાને લીધે અવઢવની સ્થિતીમાં મુકાયેલા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવાનો વખત આવ્યો છે. ત્યારે સમગ્ર કાર્યવાહીમાં સુધારો કરવા પ્રબળ માંગણી ઉઠવા પામી છે.


વિદ્યા સહાયકોની ભરતી માટે સૌ પ્રથમ તા.૨૪ સપ્ટે.૨૦૧૨ ના રોજ જાહેરાત અપાઈ હતી. જેમાં ટાટની છેલ્લી માર્કશીટ માન્ય રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. પરંતુ હજુ તો ઉમેદવારો તરફથી અરજી કરવામાં આવી રહી હતી ત્યાં જ ચૂંટણીને લીધે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૮ જાન્યુ.૨૦૧૩ ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં ટાટની કોઇપણ પરીક્ષાની માર્કશીટ સાથે ઉમેદવાર અરજી કરી શકશે તેમ જણાવાયું હતું.

આ કામગીરી છ-સાત દિવસ ચાલી ત્યાં જાહેરાત પર મનાઇ હૂકમ આવ્યો હતો. તેના કારણે ફોર્મ જમા કરવા ગયેલા અનેક ઉમેદવારોને ધક્કો ખાઇ પરત આવવું પડયું હતું. દરમિયાન તાજેતરમાં તા.૧૦ જૂન ૨૦૧૩ ના રોજ વિદ્યા સહાયકોની ભરતી માટે ફરી જાહેરાત આવી હતી. જેમાં કયા વર્ષનું ક્રિમીલેયર સર્ટીફીકેટ જોડવું ? તે અંગેની કોઇ સ્પષ્ટતા ન હોવાથી ઉમેદવારોએ અરજી સાથે ૨૦૧૩ ના વર્ષનું સર્ટીફીકેટ જોડયું હતું.

પરંતુ હાલમાં જ્યારે મેરીટ યાદી બહાર પાડવામાં આવી તેમાં ૨૦૧૩ નું નહિ‌ પરંતુ વર્ષ ૨૦૧૨ નું ક્રિમીલેયર સર્ટી જોડવાનો ઉલ્લેખ કરાયો હતો. વળી, આ માટે ફકત દોઢ દિવસનો જ સમય આપવામાં આવતા આટલી ટૂંકી સમયમર્યાદામાં કેટલાય ઉમેદવારો આ સર્ટીફીકેટ પહોંચાડી શકયા નથી. શિક્ષકની સરકારી નોકરી મેળવવા માટે જરૂરી ટાટની પરીક્ષા માટે રાત-દિવસ મહેનત કર્યા બાદ સારા પરિણામ સાથે ઉર્તીણ થયેલા ઉમેદવારોએ શિક્ષણખાતાની બેદરકારીનો ભોગ બનવું પડયું છે. ત્યારે આ અંગે શિક્ષણ વિભાગ ફેરવિચારણા કરી ૨૦૧૨ અથવા ૨૦૧૩, બંનેમાંથી કોઇપણ વર્ષનું રજૂ થયેલ ક્રિમીલેયર સર્ટીફીકેટ માન્ય ગણી કાર્યવાહીમાં સુધારો કરે તેવી માંગ ઉઠી છે.