માંગરોળમાં મેટાડોરે બાઇકને અડફેટે લેતાં બે યુવાનનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-જુવાનજોધ પુત્રોનાં મોતથી પરિવારોમાં માતમ છવાયો

માંગરોળ: માંગરોળમાં રવિવારે બપોરે પાંજરાપોળ નજીક મેટાડોરે મોટરસાઇકલને અડફેટે લેતાં બે યુવાનોના મોત નીપજ્યા હતા.શહેરના ફિશમાર્કેટ નજીક આવેલા મચ્છીનાં દંગામાં નોકરી કરતા સોહેલ અબ્દુલ કરીમ સોલંકી (ઉ.વ.૧૯, રહે. નાગદા) તથા જાવિદ જુસબ રાઠોડ (ઉ.વ.૧૮, રહે.માત્રીના પુલ પાસે) બપોરના સુમારે કામ અર્થે બસ સ્ટેન્ડ તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા એ દરમિયાન બંદરઝાપા નજીક આવેલી મઢી પાસે નાળિયેર ભરેલા મેટાડોરે બાઇક નં. જીજે ૧૧-એસએસ- ૯૮૪૧ ને જોરદાર ટક્કર મારતાં બંને યુવાનો ફંગોળાઇ ગયા હતા અને જાવિદ પર વાહનનો જોટો ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
જ્યારે સોહેલને નાજુક હાલતમાં ૧૦૮ દ્વારા માંગરોળ હોસ્પિટલે લઇ જવાઇ રહ્યો હતો ત્યારે માર્ગમાં જ તેણે પણ દમ તોડી દીધો હતો. બનાવને પગલે હોસ્પિટલે લોકોના ટોળાં ઊમટયા હતા. ડો.ઇરફાન મહિ‌ડાએ મૃતકોના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઇબ્રાહીમ યુસફી હાજીબાએ અજાણ્યા મેટાડોરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જી ચાલક નાસી છૂટયો હતો અને કેશોદ બાયપાસ નજીક મેટાડોર રેઢી હાલતમાં મળી આવતાં જે કબજે કરી પીએસઆઇ ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.