ધો. ૧૨ નાં પેપર નબળા જતા છાત્રાનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધો. ૧૨ નાં પેપર નબળા જતા છાત્રાનો આપઘાત
- જૂનાગઢની ઘટના : વ્હેલી સવારમાં દુપટ્ટે લટકી ગઇ

જૂનાગઢનાં ઢાલ રોડ પર આવેલા હનુમાન મંદિર પાછળ રહેતી અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર છાત્રાનાં પેપરો નબળા ગયા હતા. જેની ચિંતામાં આજે વ્હેલી સવારમાં પોતાને ઘેર દુપટ્ટા સાથે લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. છાત્રાનાં આપઘાતથી પરીવારમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. બનાવની મળતી વિગત મુજબ, જૂનાગઢનાં ઢાલ રોડ પર આવેલા હનુમાન મંદિર પાછળ રહેતા અંકિતાબેન પ્રકાશભાઇ ગોહિ‌લ (ઉ.૧૭)એ માર્ચ મહિ‌નામાં લેવામાં આવેલી ધો. ૧૨ની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પેપરો નબળા ગયા હતા.

પેપર નબળા જવાથી દરરોજ તેને નાપાસ થવાનો ભય રહેતો હતો. તેની ચિંતામાં આજે વ્હેલી સવારમાં અંકિતાએ છત સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે પરીવારજનોએ તેનો રૂમ ખોલતાં સહુ હેબતાઇ ગયા હતા. અને પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. બનાવની જાણ ૧૦૮ને થતા પાયલોટ જીતુભાઇ ગઢવી અને ડો. જગદીશ મકવાણા તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને છાત્રાને હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવથી પરીવારજનોએ કલ્પાંત કરી મૂકયું હતું. તેમજ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ આવતીકાલે જાહેર થવાનુ છે. તે પહેલા જૂનાગઢમાં આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી.