ઊનાનાં દેલવાડા પાસેથી દારૂનાં જથ્થા સાથે એસટી કર્મી ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસે દારૂ અને કાર સહિ‌ત બે લાખનો મુદામાલ કબજે કર્યો
- અન્ય ત્રણ શખ્સોનાં પણ નામ ખૂલ્યા


ઊનાનાં દેલવાડા પાસેથી દીવથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને આવી રહેલા એસટીનાં કર્મચારીને પોલીસે ઝડપી લઇ બે લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. આ દારૂ પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોનાં નામ ખૂલતાં તેને ઝડપી લેવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઊના એસટી ડેપોમાં ફરજ બજાવતો કર્મચારી જયેશ હર્ષવર્ધન ઓઝા દીવ તરફથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને આવી રહયો હોવાની બાતમીનાં આધારે આજે વહેલી સવારે પોલીસ કાફલાએ દેલવાડા નજીક વોચ ગોઠવી અહીંયાથી પસાર થતી મારૂતીકાર નં. જીજે-પ-એજી-૭૪૭પને રોકી તલાશી લેતા કારમાંથી રૂ.૬૭ર૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૯ર બોટલો મળી આવતાં કારનાં ચાલક એસટી કર્મચારી જયેશ ઓઝાને અટકમાં લઇ દારૂનાં જથ્થા અને કાર સહિ‌ત કુલ ૧,૯ર,ર૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દારૂની હેરાફેરીમાં પોતે એકલો નહી તેના સાગ્રીતો કાંધી ગામનાં સતુ કાના કોળી, ઊનાનાં મહેબુબ શબ્બીર મહેમુદ ભૂટા અને દીવનાં લખમણ પટેલ પણ સામેલ હોવાની કબુલાત આપતાં આ ત્રણેય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ દારૂનો જથ્થો દીવમાં કયા સ્થળેથી લાવ્યો, કયાં સપ્લાય કરવાનો હતો એ સહિ‌તની વિગતો મેળવવા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો દારૂનું મોટુ નેટવર્ક ખુલવાની શકયતા નકારી શકાતી નથી. પોલીસે એસટી કર્મીના ર્કોટમાંથી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ચેકનાકાનાં પોલીસ કર્મીઓ નિંદ્રામાં ?

ઊના પંથક કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી સાવ નજીક હોવાથી વિદેશી દારૂની હેરાફેરી સામાન્ય બનવા પામી છે. લાખો રૂપિયાનો દારૂ ઊના સહિ‌ત સોરઠમાં ઠાલવવામાં આવે છે. ઘોઘલા નજીક નાળીયા માંડવી ચેકપોસ્ટ અને દીવ નજીક તડ ચેકપોસ્ટ આવેલ હોવા છતાં અહીંયા ફરજ બજાવતા પોલીસ કર્મીઓ જાણે કે નિંદ્રામાં હોય એવો તાલ જોવા મળી રહયો છે.