જૂનાગઢમાં 'નંદભયો’નાં નાદ સાથે શોભાયાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - જન્માષ્ટમીની ઉજવણી)

-જન્માષ્ટમીનાં પર્વે રામમંદિરથી પ્રસ્થાન થયા બાદ શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી

જૂનાગઢ: જન્માષ્ટમીની ગઇકાલે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઇકાલે જન્માષ્ટમી નિમિત્તે યોજાતી પરંપરાગત શોભાયાત્રા નિહાળવા શહેરીજનો રોડની બંને તરફ ગોઠવાઇ ગયા હતા. શોભાયાત્રા રામમંદિરથી ઉપરકોટ, જગમાલ ચોક, માંડવી ચોક, દિવાન ચોક, આઝાદ ચોક, એમ. જી. રોડ, કાળવા ચોક થઇ જવાહર રોડ સ્થિત સ્વામી મંદિરે ધર્મસભામાં ફેરવાઇ ગઇ હતી.

જન્માષ્ટમી એટલેકે, કૃષ્ણજન્મનો સમય મધરાતનો હોય છે. એ વખતે વૈષ્ણવ મંદિર હોય, રામચંદ્રજીનું મંદિર હોય કે પછી શિવ મંદિર. તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મની ઉજવણી નિમિત્તે ખાસ મધરાતે દર્શન અને આરતી થતાં હોય છે. જોકે, વૈષ્ણવ મંદિરોમાં નોમને દિવસે સવારે 'નંદોત્સવ’ થતો જ હોય છે. જેમાં વૈષ્ણવો 'નંદ ઘેર આનંદ ભયો, જૈ કનૈયા લાલ કી’ સાથે ઝૂમે છે. મંદિરોમાં દહીં-માખણ-મીસરીનો પ્રસાદ ઉડે છે. જે વૈષ્ણવો ઝીલી લઇને 'ગ્રહણ’ કરી ધન્યતા અનુભવે છે. પુષ્ટિ સંપ્રદાયને અનુસરતા લોકો ઠાકોરજીને ખાસ 'ભોગ’ ધરાવે છે. હિ‌ન્દુ ધર્મમાં જન્માષ્ટમીની ઉજવણી સ્વયંભૂ રીતે થતી હોય છે. જન્માષ્ટમીનાં દિવસે સવારથીજ ઘરનો માહોલ ઉમંગ અને ઉલ્લાસભર્યો રહે છે. લોકો હરે છે, ફરે છે. એક દિવસ પૂરતો કામ-ધંધો છોડી કૃષ્ણ ભગવાનનાં જન્મદિનની ઉજવણીનો આનંદ માણે છે.
શહેરમાં હરી ઓમ ગૃપના નેજા હેઠળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા ઉપરકોટ સ્થિત રામચંદ્રજીનાં મંદિરથી ગઇકાલે બપોરે ૪ વાગ્યે નીકળી હતી. શોભાયાત્રા નિહાળવા હજારો શહેરીજનોએ બપોર થી જ રોડની સાઇડે પોતપોતાની મનપસંદ જગ્યાએ બેઠક જમાવી લીધી હતી. શોભાયાત્રા રામચંદ્રજી મંદિરથી ઉપરકોટ, જગમાલ ચોક, માંડવી ચોક, સોની બજાર, દિવાન ચોક, માલીવાડા, આઝાદ ચોક, એમ. જી. રોડ, કાળવા ચોક પરથી પસાર થઇ હતી. સાંજે ફરવા નીકળેલા લોકોએ સૌપ્રથમ જગમાલ ચોક, આઝાદ ચોક, એમ. જી. રોડ અને કાળવા ચોક ખાતે ફ્લોટ્સ નીહાળી બાદમાં રોડ પરથી નીકળતી શોભાયાત્રા નીહાળી હતી. શોભાયાત્રામાં ફ્લોટ્સની સાથે રાસ મંડળી, લાઠીદાવ, તલવારબાજીનાં હેરતજનક પ્રયોગોએ પણ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. તો કેટલાક ફ્લોટ્સમાંથી પ્રસાદીનું વિતરણ પણ થતું હતું. શોભાયાત્રા જવાહર રોડ સ્થિત સ્વામી મંદિરે ધર્મસભામાં ફેરવાઇ ગઇ હતી. મોટી હવેલીમાં મધરાતે કૃષ્ણજન્મનાં દર્શન માટે વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.