કૃષિરથમાં ચમક્યો બિયારણનો મુદ્દો , ખેડૂતોએ પણ સમર્થન આપ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કૃષિરથમાં બિયારણનો મુદ્દો ચમક્યો,
- ગણગણાટ : તલનાં બિયારણે ધરતીપુત્રો પર આફત સર્જી છે ત્યારે વિસાવદરનાં ઈશ્વરીયા(માંડાવડ)માં વ્યક્ત થઈ વ્યથા
- સરકાર ડુપ્લીકેટ બિયારણમાં કાર્યવાહી પછીનાં દંડનાં નિયમમાં ફેરફાર કરે તેવો સૂર ઉઠયો

સોરઠભરમાં તલનાં બિયારણે ખેડૂતો ઉપર આણધારી આફત સર્જી છે ત્યારે આજે વિસાવદરનાં ઈશ્વરીયા(માંડાવડ) ગામે સરકારી તંત્રનાં કૃષિમહોત્સવ અંતર્ગત કૃષિરથનાં આગમને યોજાયેલા કાર્યક્રમમાં એક ખેડૂતે તલનાં ડુપ્લીકેટ બિયારણનો પ્રશ્ન ઉઠાવતા અન્ય ખેડૂતોએ પણ સમર્થન આપ્યું હતું. જ્યારે અહીં હાજર નવોદીત કોંગ્રેસનાં ધારાસભ્યએ પણ ખેડૂતો પર આ સર્જા‍યેલી આફત સામે ડુપ્લીકેટ બિયારણનાં નિયમોમાં સરકારી તંત્રએ ફેરફાર કરી અને જે તે કંપની તરફથી પુરેપુરૂ વળતર અને કડક સજા થાય તેવો અમલ કરવો જોઈએ તેવો અભિપ્રાય વ્યકત કર્યો હતો.

વિસાવદર તાલુકાનાં ઇશ્વરીયા (માંડાવડ) ગામે કૃષિ રથ આવી પહોંચતા આ કાર્યક્રમમાં તાજેતરમાં જ વિજેતા બનેલા કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા પણ આવતા ગામમાં તેઓનું વાજતે-ગાજતે સામૈયું કરાયું હતું. ત્યારબાદ કૃષિ રથ સાથે આવેલા તંત્રનાં જુદા-જુદા અધિકારીઓએ ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે ચાલુ કાર્યક્રમમાં એક ગ્રામજને ડુપ્લીકેટ તલનાં બીયારણનો પ્રશ્ન ઉઠાવતા હાજર ગ્રામજનોએ આ વાતને સમર્થન આપ્યું હતું. જ્યારે હાજર કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પણ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ખેડૂતો કાળી મજૂરી કરી પાકનું ઉત્પાદન કરે છે ત્યારે આવા લેભાગુ તત્વો દ્વારા ડુપ્લીકેટ બીયારણ ધાબડી દઇ ખેડૂતો પર આફત સર્જી છે.
ડુપ્લીકેટ બીયારણ બાબતમાં સરકારે પણ નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે કેમ કે, જો આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા જાય તો અને સાબીત થાય તો સરકારી નિયમ મુજબ વધુમાં પ૦૦ થી ૧૦૦૦ સુધીનો માત્ર દંડ થાય છે. જે નિયમમાં ફેરફાર કરી કડક સજા અને ખેડૂતોને તેનાં પાકનું પૂરેપુરૂ વળતર મળે એવા નિયમો બનાવવા જોઇએ. આ કાર્યક્રમમાં માજી કૃષિ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ ભાલાળા, જિ.પં.કારોબારી ચેરમેન રતીભાઇ સાવલીયા, તા.પં.પ્રમુખ મનસુખભાઇ ડોબરીયા, રમેશભાઇ બોરડ, જિલ્લા ખેતીવાડી અધિકારી બગડા, સરપંચ તથા તલાટીમંત્રી સહિ‌ત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય એ છે કે, કિશાનસંઘ સહિ‌ત ખેડૂતોનાં સંગઠને આ મુદ્દે ખેડૂતોને છેતરનારી બિયારણની કંપની સામે કાર્યવાહીની માંગ કરી છે.