વેરાવળમાં રોડની રાવ કરનાર વેપારીઓને ગુમાસ્તાધારાની નોટીસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ કોન્ટ્રાકટર સામે પગલાને બદલે વેપારીઓ પર ખીજ ઉતારી :નાયબ કલેકટરને આવેદન
વેરાવળ નગરપાલિકા હસ્તક ચાલતા રોડ-રસ્તાનાં કામોમાં ભ્રષ્ટાચાર અંગે લેખિત ફરિયાદ કરનાર ભીડીયા વિસ્તારનાં વેપારીઓ સામે પાલિકાતંત્રએ નબળુ કામ કરનાર કોન્ટ્રાકટર સામે પગલા લેવાના બદલે રાગદ્રેશ રાખી વેપારીઓને ગુમાસ્તાધારાની નોટીસો પાઠવી માનસીક ત્રાસ આપી રહેલ હોવા અંગે આજે વેપારી મંડળે ફરી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે પગલા લેવા માંગણી કરેલ છે.
ભીડીયા વેપારી મંડળના સભ્યોએ બપોરે નાયબ કલકેટરને આવેદનમાં જણાવાયું છે કે,ભીડીયા વિસ્તારના નબળા રોડના કામ બાબતે તા.૧૨ માર્ચ ૨૦૧૨ નાં રોજ લેખિત આવેદનપત્ર આપેલ જે અનુસંધાને આ વિસ્તારનાં વેપારીઓને ખાસ ટાર્ગેટ બનાવીને ગુમાસ્તાધારાની નોટીસો પાઠવવામાં આવેલ છે. જ્યારે વેરાવળ શહેરની તમામ દુકાનો તા.૧૭ માર્ચને રવિવારના રોજ ખુલ્લી હતી.
તદઉપરાંત રાજ્યના તમામ શહેરમાં પણ દુકાનો ખુલ્લી હોય છે. છતાં અમોએ ભ્રષ્ટાચારની રજૂઆત કરેલ હોય તેના કારણે રાગદ્રેશ રાખી વેપારીઓને નોટીસો પાઠવાઈ છે.આના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે, આ ભ્રષ્ટાચારમાં પાલિકાનાં કોઇ અધિકારી સામેલ તો નહી હોઇને ? એવો એક સવાલ ઉભો થયો છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટર પર કાર્યવાહી કરવાના બદલે વેપારીઓ સામે ગુમાસ્તાધારાનું હથિયાર ઉગામી ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડવાની કાર્યવાહી થઇ રહેલ હોય અને ભષ્ટ્રાચારને દબાવી દેવા બાબતે વેપારીઓ પર દબાણ કરવામાં આવે છે.
તા.૧૭ નાં રોજ અચાનક જ કેમ આવુ કરવામાં આવ્યુ તે તપાસનો વિષય છે. જો આવી રીતે દબાણ લાવી ભ્રષ્ટાચારને ડામવાની કોશિષ કરવામાં આવે તો લાગતા-વળગતા સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વેપારીઓને આપેલ નોટીસો અમાન્ય ગણવા જવાબદાર તંત્રને આદેશ કરવા અંતમાં જણાવેલ છે. આમ, ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર વેપારીઓ સામે પાલિકાતંત્ર દ્વારા ગુમાસ્તાધારાની નોટીસો પાઠવી કરાતા દબાણ સામે વેપારીઓએ રોષે ભરાય નાયબ કલેકટરને લેખિત ફરિયાદ કરી છે જેની જાણ જિલ્લા કલેકટર, વિજીલન્સ કમિશ્નર સહિ‌તનાઓને કરાતા તંત્રમાં ખળભળાટ મચી ગયેલ છે.
રવિવારે દુકાનો ખૂલ્લી રખાતા કાર્યવાહી થઇ : અધિકારી
આ બાબતે નગરપાલિકાના ગુમાસ્તાધારા શાખાના મુખ્ય અધિકારી જેઠાભાઇ સોલંકીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, તા.૧૭ ને રવિવારના અમે કેશોદ ખાતે નગરપાલિકા નિયામકની મીટીંગમાં હતા. દરમિયાન શાખાની ટીમ દ્વારા ભીડીયા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં ૨૨ વેપારીઓ કે જેના લાયસન્સમાં રવિવારનાં રોજ બંધનો ઉલ્લેખ કરેલ હોય આમ છતાં દુકાનો ખુલ્લી રાખેલ હોય તેઓને નોટીસ પાઠવવામાં આવેલ છે.