જૂનાગઢમાં ગરમીએ ૩ વર્ષનો રેકોર્ડ તોડયો : ૪૩.૨ ડિગ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજૂ પણ ગરમી વધવાની શકયતા : આકાશમાંથી અગનગોળા વરસ્યા

આજે જાણેકે આકાશમાંથી અગનગોળા વરસ્યા હોય તેવી કાળઝાળ ગરમીએ લોકોને હંફાવી દીધા હતા. સૂર્યનારાયણનાં પ્રકોપથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા હતા. આજે જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો ૪૩.૨ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી આ વર્ષનો એપ્રિલ સૌથી વધુ ગરમ રહ્યો છે. આજે તો ગરમીથી રીતસર લોકો દાઝી ગયા હતા.

જૂનાગઢમાં આમેય ગરમીનું પ્રમાણ ઘણું વધારે રહે છે. હવે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. આમ તો ઉનાળાનાં આરંભને ઘણો સમય વિતી ગયો છે. શરૂઆતમાં ગરમીનો પારો માફકસર રહ્યો હતો. પરંતુ તાપમાન વધુ ઉંચકાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તે સાથે જ માવઠું થયું હતું. આ પ્રકારે ઉનાળાના આરંભે માવઠું થતા પારો પ્રમાણમાં નીચો રહ્યો હતો. પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ૪૧ ડિગ્રી કરતાં વધુ રહે છે. શહેરમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો હતો. આજે શહેરનું મહતમ તાપમાન ૪૩.૨ ડિગ્રી જેટલું ઉંચું ગયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ પ૦ ટકા હતું. જયારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૪.૮ કિમીની રહી હતી. ઉનાળાની સીઝનમાં આજનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષનાં એપ્રિલ માસમાં પડેલી ગરમીનો રેકોર્ડ તુટી ગયો છે.
વર્ષ ૨૦૧૦ બાદ આજે ફરી એક વખત ગરમીનો પારો ૪૩.૨ ડીગ્રીને વટાવી ગયો હતો. કાળઝાળ ગરમીથી લોકો અકળાઇ ઉઠયા છે. બપોરના સમયે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે શહેરમા જાણે કુદરતી સંચારબંધી લદાઇ ગઇ હતી. આજે બપોરે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ એકદમ વધી જતાં શહેરમાં જાણેકે, સન્નાટો પ્રસરી ગયો હતો. બપોર બાદ તો લૂ ફૂંકાવાની પણ
શરૂઆત થઇ હતી. શહેર જાણેકે ભઠ્ઠીમા શેકાતું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. રાત્રે થોડો પવન નિકળતા શહેરના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભારે ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આવનારા થોડા દિવસોમાં તો આ ગરમીમાં રાહત મળે તેવા એંધાણ દેખાતા નથી .

ગરમીથી અબોલ પશુ-પક્ષી પણ પ્રભાવીત
આકરી ગરમીથી બચવા લોકો પણ બપોરના સુમારે ઘરમાં રહેવાનુ પસંદ કરી રહ્યાં છે પરંતુ અબોલ પશુ પક્ષીઓ આકરી ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા છે. પશુ પક્ષીઓ પણ આકરા તાપથી બચવા અને ઠંડક મેળવવા આમથી તેમ ભટકતા નજરે પડયા હતા. બપોરના સુમારે પક્ષીઓએ પણ માળામા રહેવાનુ જ પસંદ કર્યુ હતુ.

છેલ્લા ત્રણ વર્ષનું તાપમાન
વર્ષ તાપમાન
૨૦૧૧ ૪૧.પ
૨૦૧૨ ૪૨.૩
૨૦૧૩ ૪૧.૨
ગત ૨૮ એપ્રિલ કરતા ૨.૨ડીગ્રી વધુ તાપમાન
હવામાન ૨૮/૪/૨૦૧૩ ૨૮ /૪/૨૦૧૪
મહત્તમ ૪૧ ૪૩.૨
લધુતમ ૨૭ ૨૨
ભેજ ૭૩/પપ પ૦/૧૭