જૂનાગઢ, અમરેલી, જામનગરમાં પોણાથી દોઢ ઇંચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સતત સાતમા દિવસે માવઠું| ઊનાના ગીર-પંથકમાં ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ
- બાબરિયામાં વીજ સબસ્ટેશન પર વીજળી પડી, વીજ પુરવઠો ખોરવાયો

ઊના: જૂનાગઢ, અમરેલી અને જામનગર જિલ્લામાં સોમવારે વધુ અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના ઊના-ગીરગઢડા પંથકમાં આજે પણ ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. અમરેલી પંથકમાં પણ અડધાથી દોઢ ઇંચ વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં એક બે સ્થળે અડધા ઇંચ વરસાદ થયો હતો. સતત કમોસમી માવઠાથી જગતનો તાત ચિંતાતૂર બન્યો છે.

ગીરગઢડા તાલુકાના જંગલ બોર્ડરને અડીને આવેલા બાબરિયા, થોરડી, ભાખા, નીતલી, વડલી, મોતીસર, નગડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સમી સાંજે વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘાએ આગમન કરી અડધોથી પોણો ઇંચ પાણી વરસાવી દેતાં ગામમાં અને ખેતરોમાં પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદથી કપાસ, ઘઉં અને કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. મચ્છુન્દ્રી ડેમ પર પણ વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી જગતનો તાત ચિંતાતૂર બન્યો છે.

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં બપોરબાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને જોતજોતામાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસી જતાં શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. ધારી તાલુકાના ગીરકાંઠાના દલખાણિયા, કાંગસા, ચાંચઇ પાણિયા વિગેરે ગામોમાં એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. બગસરામાં પણ મોડીસાંજે હળવું ઝાપટું પડ્યું હતું.

જામનગર જિલ્લાના કાલાવડમાં સોમવારે 10 મી.મી.અને દ્વારકા જિલ્લાના ભાણવડમાં રવિવારની મધરાતના 12 થી સવારે 7 વાગ્યા સુધીમાં 12 મી.મી.વરસાદ પડ્યાના અહેવાલ સાંપડ્યા છે. જામનગરમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળતા હતા. જૂનાગઢ જિલ્લાના બાબરિયા ગામમાં વીજ સબ સ્ટેશન પર વીજળી પડી હતી. આથી ગામનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. આથી કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આજથી આકાશ ચોખ્ખું થઈ જશે અને હવે પછી વરસાદ ન પડે તેવી આગાહી કરાઈ છે.

રાજકોટમાં પણ ઝાપટાં પડ્યા

રાજકોટમાં ગત શુક્રવારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ શનિ-રવિ બે દિવસ મોડીસાંજ બાદ વરસાદ પડે તેવું વાતાવરણ થયું હતું. જો કે અમુક વિસ્તારોમાં માત્ર છાંટા જ પડ્યા હતા. પરંતુ સોમવારે રાત્રે આઠ વાગ્યા બાદ શહેરના સામાકાંઠા વિસ્તાર ઉપરાંત અમીન માર્ગ અને કાલાવડ રોડ વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા. વીજળીના કડાકાભડાકા સાથે અચાનક જ વરસાદ શરૂ થતાં બાઈક પર જતાં લોકોએ ઓથનો સહારો લેવો પડ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, બુધવારથી આકરી ઠંડી પડવાની શરૂઆત થશે.