સોરઠ પર ફરી મેઘો થયો મહેરબાન, ચોરવાડમાં 3 ઇંચ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હિરણ નદી)
- બાંટવામાં 8, માણાવદરમાં 6, જૂનાગઢ - કેશોદ - વંથલી - ચોરવાડમાં 3 ઇંચ વરસાદ

માણાવદર, બાંટવા: માણાવદર - બાંટવા પંથકમાં મેઘરાજાએ અનરાધાર વરસી ધરાને તરબોળ કરી દીધી હતી. મધરાતથીજ મેઘરાજાએ ધીમી ધારે વરસવાનું શરૂ કર્યા બાદ વહેલી સવારથી સટાસટી બોલાવી બપોર સુધીમાં ઠેર-ઠેર પાણી-પાણી કરી દીધુ હતું. માણાવદરમાં પાંચ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકી જતાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં. કૈલાશ ગાર્ડન તો બેટમાં ફેરવાઇ ગયો હતો. તાલુકાનાં ભાલેચડા, દગડ, ગળવાવ, સણોસરા, સરદારગઢ, જીંજરી, થાનિયાણા, વેરવા, ખાંભલા, કોઠારીયા, નાંદરખા, કોયલાણા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ 4 થી 6 ઇંચ પાણી વરસ્યું હતું. માણાવદરનાં રસાલા ડેમ સહિત અનેક ચેકડેમોમાં પાણીનાં ઘોડાપુર આવ્યા હતાં જોરદાર વરસાદને પગલે મામલતદાર ડી.એ. ઝાલાએ સ્ટાફને સાથે રાખી સરાડીયા, પાજોદ, એકલેરા, કોડવાવ, ભલગામ સહિતનાં ગામોની મુલાકાત માટે ગયા હતાં પરંતુ પાણીનો ભારે પ્રવાહ હોય કોડવાવ - ભલગામમાં જઇ શકયા ન હતાં. પાલિકા પ્રમુખ પનારાએ પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. જયારે બાંટવામાં 8 ઇંચ વરસાદ ખાબકતાં નગરનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં રહિશોએ મુશ્કેલી અનુભવી હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં 1 થી 3 ઇંચ વરસાદ : ગીર-સોમનાથ જિલ્લામાં 1 થી 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. વેરાવળમાં ગતરાત્રીથી જ વીજળીનાં કડાકા ભડાકા સાથે મેઘાએ આગમન કરી સવાર સુધીમાં બે ઇંચ વરસાદ વરસાવતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત કોડીનારમાં 3, તાલાલામાં 2.5, સુત્રાપાડા- ગીરગઢડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

કેશોદમાં ધીમીધારે 4 ઇંચ : કેશોદમાં રાત્રીનાં 12 વાગ્યાથી મેઘાએ આજે બપોરનાં 12 સુધીમાં ધીમીધારે અવિરત વરસી 4 ઇંચ જેવું પાણી વરસાવ્યું હતું. ગ્રામ્ય પંથકમાં પણ 1 થી 4 ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. આ વરસાદ કાચા સોના સમાન ખેડૂતો કહી રહયાં છે. મોસમનો 42 ઇંચ જેવો વરસાદ વરસી જતાં પીવાના પાણી અને ખેડૂતોની સમસ્યા કુદરતે હલ કરી દીધી છે.વંથલી - જૂનાગઢ- ચોરવાડમાં 3 ઇંચ : જૂનાગઢ - વંથલી - ચોરવાડમાં 3 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ, ભેંસાણ, મેંદરડામાં 1 ઇંચ અને માળિયા - વિસાવદરમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.

આગળ જુઓ વધુ તસવીરો