બટેટાનાં ભાવનો બોજ અન્નક્ષેત્રો પર પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોંઘવારીનો માર : પરિક્રમામાં પ ગાડી બટેટાનો વપરાશ થાય છે : ગત વર્ષે ૧૦ રૂપિયે મળતા હવે ૨પ રૂપિયે પહોંચ્યા
- ટમેટા, રિંગણા, ગુવાર, ભીંડા, મરચા, ડુંગળીનાં ભાવ પણ આસમાને : સેવાભાવી સંસ્થાઓનાં બજેટ ખોરવાઈ જશે


ગિરનારની લીલી પરિક્રમા બુધવારથી શરૂ થઈ રહી છે. પરિક્રમામાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્રો શરૂ થનાર છે. પરિક્રમા દરમિયાન શાકભાજી અને બટેટા મળી ૧પ ગાડીનો વપરાશ થવાનો અંદાજ છે. પ ગાડી બટેટાનો વપરાશ થનાર છે ગત વર્ષે પરિક્રમા દરમિયાન કિલાનો ભાવ ૧૦ હતો જે ચાલુ વર્ષે ૨પ રૂપિયા કિલો મળી રહ્યાં છે જેના કારણે અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓ ઉપર લાખો રૂપિયાનો બોજ વધારાનો આવી પડશે.

ગત વર્ષે ઓછા વરસાદનાં કારણે શાકભાજીનું વાવેતર નહીવત થયું હતું અને જે શાકભાજી હતુ તે ચાલુ વર્ષે ભારે વરસાદનાં કારણે બળી ગયું છે. પરિણામે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવને લઈ ગૃહિ‌ણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ગિરનારની પરિક્રમા શરૂ થઈ રહી છે ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રાળુઓ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે. પરિક્રમા દરમિયાન દરરોજની ત્રણ ગાડી શાકભાજીની જરૂર પડતી હોય છે. જેમાં એક ગાડી બટેટા અને બે ગાડી શાકભાજીનો સમાવેશ થાય છે.

પાંચ દિવસ ચાલનારી આ પરિક્રમામાં ૧પ ગાડી બટેટા, શાકભાજીનો વપરાશ થાય છે. બટેટાની એક ગાડીમાં ૨૦૦ કટ્ટા બટેટા આવતા હોય છે. એક કટ્ટામાં પ૦ કિલો બટેટા આવે છે. તે હિ‌સાબે જોતા દરરોજના એક હજાર કટ્ટા બટેટાનો વપરાશ થાય છે. પરિક્રમા દરમિયાન પ૦ હજાર કિલો બટેટા વપરાય છે. ગત વર્ષે બટેટાનો કિલાનો ભાવ ૧૦ રૂપિયા હતો તે હિ‌સાબે પ લાખ રૂપિયા માત્ર બટેટા પાછળ ખચાર્યા હતા. જો કે, ચાલુ વર્ષે બટેટાનો કિલાનો ભાવ ૨પ રૂપિયા હોય આ ખર્ચ ૧૨.પ૦ લાખને આંબી જશે.

બટેટાના ભાવ ગત વર્ષ કરતા અઢીગણા હોય અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓ પર ચાલુ વર્ષે ૭.પ૦ લાખનો ખર્ચ વધારાનો થનાર છે. બીજી તરફ ટમેટા, રિંગણા, ગુવાર, ભીંડા, મરચા, ડુંગળીના ભાવ પણ આસમાને છે. તેને કારણે ચાલુ વર્ષે અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓનાં બજેટ પણ ખોરવાઈ જશે. ખોડીયાર રાસ મંડળ અન્નક્ષેત્રના હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શાકભાજીના ભાવ વધારે હોવાના કારણે અન્નક્ષેત્રના ખર્ચમાં વધારો થયો છે. જેને કારણે બજેટ પણ વિખરાઈ ગયું છે.