વડવિયાળા ઉચાપતમાં પોલીસને હાથતાળી, આરોપીઓ ભૂગર્ભમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મંડળીની ગેરરિતીમાં ગુના પછી શખ્સો પોલીસ પહોંચની બહાર
- ગામમાં ગપાટા મારતા કમિટીનાં આ સદસ્યો પોલીસ પહોંચતા જ પલાયન


ઊના પંથકનાં વડવિયાળા ગામની સેવા સહકારી મંડળીમાં પૂર્વ સત્તાધિશોએ ખાતર વિભાગમાં કરેલા ગફલાથી બહાર આવેલ રૂ.૧૧ લાખથી વધુનાં કૌભાંડમાં ગુનો નોંધાયા પછી પણ ૧૪ આરોપીઓ પોલીસ પહોચની બહાર ભૂર્ગભમાં ઉતરી જતાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

વડવિયાળા સેવા સહકારી મંડળીમાં ખાતર વિભાગમાં ઓડીટ અને તપાસ બાદ રૂ.૧૧ લાખની વધુની ઉચાપત બહાર આવતા સબ રજિસ્ટ્રાર દ્વારા ઊના પોલીસમાં જે તે સમયનાં મંડળીનાં પ્રમુખ સહિત ૧૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધતા સમગ્ર ઊના પંથકનાં સહકારી જગતમાં ખળભળાટ મચ્યો હતો. જો કે, ગુનો નોંધાયા પછી આ ૧૪ શખ્સો ભૂર્ગભમાં ઉતરી ગયા હતા અને ફરી પાછા ગામમાં દેખાયા છે પણ પોલીસ પહોચની દૂર હોય અને ધરપકડ ન કરાતા અનેક તર્કવિતર્કો પણ થઈ રહ્યાં છે.

એક તરફ આરોપી એવા આ આગેવાનો ગામમાં કહે છે કે, અમારી ધરપકડ નહીં થાય બધુ ગોઠવાઈ ગયું છે. અને પોલીસ કહે છે કે તેઓ સામેથી રજુ થશે. આ વાતે પણ ભારે ચર્ચા જગાવી છે. આજે ઊના પીઆઈ ટંડેલ સહિત પોલીસ કાફલો વડવિયાળા ગામે પહોચ્યો પણ ગામમાં ખૂણે ખાચરે બેસેલા કમિટીનાં આ સભ્યોને જાણ થતા નાસભાગ શરૂ થઈ ગયેલ અને મોબાઈલ બંધ કરી ફરી ભૂર્ગભમાં ઉતરી જતા પોલીસનો ખાલી ફેરો ગયો હતો.

- ગામમાં ચર્ચા વેગીલી, ધરપકડ કે આગોતરા

વડવિયાળા ગામમાં હાલ આ પ્રકરણમાં મંડળીનાં પૂર્વ સત્તાધીશોની પોલીસ ધરપકડ કરશે કે, આગોતરા જામીન ન મળે ત્યાં સુધી આ ૧૪ આરોપીઓ ભૂર્ગભમાં જ રહેશે. તે અંગેની ચર્ચા ઠેક ઠેકાણે થઈ રહી છે.

- ધરપકડ થશે : પીઆઈ

સહકારી મંડળીનાં ઉચાપતનાં આ ગુનામાં ઊના પોલીસ ખાલી હાથે પરત આવી હોવા અંગે પીઆઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજે પકડવા ગયા હતા પણ કોઈ હાથ લાગ્યું નથી. પરંતુ નજીકનાં દિવસોમાં ધરપકડ થશે.

- મંડળીનાં સહમંત્રીએ આગોતરા મૂક્યા

આ ઉચાપત પ્રકરણમાં મંડળીનાં સહમંત્રી દિપક જોષીએ ઊના કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે.