વંથલીનાં કણજડી પાસે ટોળાએ ટ્રકને આગ ચાંપી, લોકોનો રોષ બેકાબૂ બન્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે સાયકલ સવાર તરૂણને હડફેટે લીધા બાદ લોકોનો રોષ બેકાબૂ બન્યો

વંથલીનાં કણજડી ગામ પાસે આજે મોડી સાંજનાં અરસામાં લાકડા ભરેલા ટ્રકે બે સાયકલ સવાર તરૂણને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતાં લોકોનો રોષ બેકાબુ બન્યો હતો અને ટોળાએ ટ્રકને આગ ચાંપી દીધી હતી. આ બનાવનાં પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

વંથલીનાં કાજલીયાળા આસપાસનાં આંબાનાં બગીચામાંથી લાકડા ભરી એક ટ્રક નંબર જીજે-૩- ૫૧૯૮ કણજા તરફ આજે સાંજનાં ૭ વાગ્યાનાં અરસામાં જઇ રહયો હતો ત્યારે કણજડીથી થોડા અંતરે વિકાસ બીપીનભાઇ ચુડાસમા અને અંકીલ અશોકભાઇ મકવાણા નામનાં બે દેવીપૂજક તરૂણો સાયકલ પર જઇ રહયાં હોય આ ટ્રકનાં ચાલકે તેમને હડફેટે લઇ લેતાં બંનેનાં જમણા પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

આ બનાવનાં પગલે લોકોનાં ટોળા એકત્રીત થઇ ગયેલ અને રોષે ભરાયેલા ટોળાએ ટ્રકને આગ ચાંપી દેતા આગળનો મોરો અને ટાયરોને નુકસાન પહોંચ્યું હતું. એક તબક્કે ટોળાએ ડીઝલ છાંટી પુરા ટ્રકને આગ ચાંપવાની કોશિષ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ટ્રકની આગને કાબુમાં લેવા જૂનાગઢથી ફાયર બગિ્રેડનાં બંબા પણ મંગાવવા પડ્યા હતાં.

આ બનાવનાં પગલે પોલીસે સ્થળ પર દોડી જઇ ટોળાને કાબુમાં લીધા હતાં. ઇજાગ્રસ્ત બંને તરૂણોને લોકોએ તાત્કાલીક રીક્ષામાં નાંખી સારવારમાં લઇ જઇ રહયાં હતાં ત્યારે કણજા પાસે ૧૦૮ સામેથી આવી જતા એમાં બંનેને પ્રથમ વંથલી અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.