ખામધ્રોળમાં ગેસ ગળતર: ૧નું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સફાઇ કરતી વખતે જ કરુણ ઘટના બની : એક ગંભીર

જૂનાગઢનાં ખામધ્રોળ ગામે આજે બપોરનાં સુમારે સેફટી ટેન્કની સફાઇ કરતી વખતે ગેસ ગળતરની ઘટના સર્જા‍ઇ હતી. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે અન્ય એકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ કરૂણ બનાવથી મજૂરનાં પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

પોલીસમાંથી મળતી વિગત મુજબ, જૂનાગઢ નજીકનાં ખામધ્રોળ ગામે રહેતા મુકેશભાઇ રતનભાઇ સાવલીયાએ પોતાની માલીકીની સેફટી ટેન્કની સફાઇ કરવા માટે મજૂરો મંગાવ્યા હતા. બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ મજુરો આવી સેફટી ટેન્કની સફાઇની કામગીરી હાથ ધરી હતી. ટેન્કમાં હીરાભાઇ ઘોડાભાઇ ચૌહણ (ઉ.વ.પ૦) અને શામજીભાઇ હીરાભાઇ અંદર ઉતરીને સફાઇ કરી રહયા હતા. અને એક વ્યકિત ઉપર ઉભો રહ્યો હતો.

એ દરમ્યાન ગેસ ગળતરની ઘટના બની હતી. પરિણામે ટેન્કમાં ઉતરેલા બન્ને વ્યકિતને ઝેરી અસર થવા લાગી હતી. ઝેરી અસર થતા જ તેઓને તાત્કાલીક બહાર કાઢવામાં આવ્યા હતા. અને ૧૦૮ને જાણ કરાતાં પાયલોટ ભૂપેન્દ્ર ગઢવી અને ડો. ચાંદનીબેન દવે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બંને અસરગ્રસ્તોને તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હરીભાઇ ચૌહાણ (રે. મજેવડી દરવાજા વાલ્મીકીવાસ)નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

જયારે શામજીભાઇની હાલત વધુ ગંભીર હોઇ તેમને સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. હરીભાઇનું મોત થતાં પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ કલોતરા ચલાવી રહયા છે.

દરમિયાન યુવાનના મૃત્યુના બનાવથી વાલ્મીકિ સમાજ આશુના દરિયામાં ગરક થઇ ગયો હતો. જ્યારે યુવાન હરીભાઇનુ મૃત્યુ થયાના બનાવથી તેના પરિવારજનો ભાંગી પડયા હતા.