વંથલી પાસે મેટાડોરે કારને ઉડાવતા જૂનાગઢનાં યુવાનનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્રણ ઘાયલ : અકસ્માત સર્જી ચાલક નાસી ગયો

વંથલી નજીક મેંગો માર્કેટ પાસે ગત મોડીરાત્રીનાં મેટાડોરે કારને ઉડાવતા યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જી ચાલક નાસી છુટયો હતો.

જૂનાગઢનાં ટિંબાવાડી બાયપાસ પર રહેતા ચાર યુવાનો ગઇકાલે કણઝા ફાટક પાસે જમવા ગયા હતાં અને ત્યાંથી રાત્રિનાં ૧૨.૩૦ વાગ્યાની આસપાસ અલ્ટ્રોકાર નં.જીજે-૧૦- એમ-૯૨૨૪માં પરત ફરી રહયાં હતાં ત્યારે વંથલી નજીક મેંગો માર્કેટ પાસે જૂનાગઢ તરફથી પુરપાટ વેગે આવતાં મેટાડોરનાં ચાલકે ગફલતભયું ડ્રાઇવીંગ કરી કારને ટક્કર મારી દેતા સર્જાયેલા અકસ્માતમાં સુભાષ મેરામણભાઇ રબારી નામનાં યુવાનનું મોત નિપજ્યું હતું.

જ્યારે કાર ચલાવી રહેલા ભાવિન વલ્લભભાઇ, પારસ મેરામણભાઇ રબારી અને રાજેશ ખીમજીભાઇ પણ ઇજાગ્રસ્ત થતાં જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતાં. સફેદ કલરની આયસર મેટાડોરનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ બનાવમાં મૃતકનાં ભાઇ પારસની ફરિયાદ લઇ નાસી છુટેલા ચાલકને અટકમાં લેવા પીએસઆઇ જે.બી. કરમુરે આગળની તપાસ હાથ ધરી છે.

- જોરદાર ધડાકાથી આસપાસનાં લોકો જાગી ગયા

મેટાડોર - કારની ટક્કરમાં જોરદાર ધડાકાથી આસપાસનાં લોકો જાગી ગયા હતાં.આ અકસ્માતમાં કારનો સાવ બુકડો બોલી ગયો હતો. કારનાં આગળનાં ભાગે દબાઇ ગયેલા યુવાનનાં મૃતદેહને મહામુસીબતે બહાર કાઢી શકાયો હતો.