વડવિયાળા મંડળીનાં લાખોના ગોટાળામાં બચાવવાની વેતરણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઊના પંથકની આ સહકારી મંડળીમાં ૧૧.૧૨ લાખની ઉચાપત પછી હડીયાપટ્ટી શરૂ
- મંડળીનાં પૂર્વ પ્રમુખ સહિત ૧૪ શખ્સો સામે ગુનો નોંધાતા જ ધરપકડનાં ભણકારા : વર્તમાન પ્રમુખે રંગ બદલ્યો હોય તેમ આ ગોટાળામાં માત્ર મંત્રી અને ગોડાઉન કીપર જવાબદાર હોવાનું નિવેદન


ઊનાની વડવિયાળા સેવા સહકારી મંડળીમાં ઓડીટ વખતે ખાતરનાં સ્ટોકમાં ઘટ આવતાં પૂર્વ પ્રમુખ સહિત ૧૪ શખ્સો સામે ગઈકાલે ૧૧,૧૨,૮૨૬ નાં ગોટાળાની ફરિયાદ થતાં સ્થાનિ ક સહિત પંથકમાં મચેલા ખળભળાટ વચ્ચે હડીયાપટ્ટીનો દોર પણ વધ્યો છે.

એક તરફ મંડળીનાં આ ખાતર સ્ટોકની ઘટતી રકમ ભરપાઇ કરી દેવા માટે અનેક મિટિંગો થઇ હતી. ફરિયાદ ન થાય અને રકમ ભરપાઇ કરી દેવા માટે જિલ્લા રજીસ્ટારનાં દ્વાર સુધી આરોપીઓ રૂબરૂ પણ પહોંચ્યા હતા. આ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા.

દરમિયાન આ મંડળીનાં વર્તમાન પ્રમુખ પણ જાણે કે, દેખાવ કરવા મેદાને પડ્યા હોય તેમ આ ખાતર માલ સ્ટોકની ઘટમાં મંત્રી દપિક જોષી અને ગોડાઉનકીપર જ જવાબદાર છે અન્ય કમિટીનાં સભ્યો તથા પૂર્વ પ્રમુખ નિર્દોષ હોવાનું વર્તમાન પ્રમુખે જણાવતા અનેક તર્કવિર્તકો વહેતા થયા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જિલ્લા રજીસ્ટાર દ્વારા ઓડીટ થયુ હોઇ તેમાં આ ગોટાળો બહાર આવ્યો હતો.

પરંતુ મારા શાસનકાળ ને આઠ માસ થયા હોઇ રીઓડીટની પણ માંગણી કરી હતી. આમ વર્તમાન પ્રમુખ થોડા દિવસ પહેલાં આ ગોટાળાની ફરિયાદ કરવા ઊના પોલીસમાં ધક્કા ખાતા હતા અને લેખિતમાં ફરિયાદ પણ આવી હતી. અને પોલીસ ફરિયાદનો અભ્યાસ તેમજ તપાસણી પછી ફરિયાદ નોંધવાની વર્તમાન પ્રમુખને વાત કરી હતી.

પરંતુ ફરિયાદ નોંધાતા જ વર્તમાન પ્રમુખે દિશા બદલી હોય તેમ તેઓ કમિટીનાં સભ્યોને બચાવવા મેદાને પડ્યા હતા. આ અંગે પીઆઇ ટંડેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સબ ઓડીટરની તપાસ દરમ્યાન ૨૮૧૫ ખાતરની થેલીમાં ગોટાળો બહાર આવ્યો હતો તે પરથી ગુનો નોંધાયો છે.

- ફરિયાદનાં અખબારી અહેવાલ બાદ મિટિંગોનો ધમધમાટ

વડવિયાળા સેવા સરકારી મંડળીનાં પૂર્વ સત્તાધીશો સામે રૂ.૧૧ લાખથી વધુનાં ગોટાળાની ફરિયાદ નોંધાતાં જ મંડળીની ઓફિસે મિટિંગોનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ઉંચા સ્વરે એક બીજાઓને બોલવાનું થયું હતું. જ્યારે ગામનાં ચોરે પણ લોકોનાં મોઢે એક જ વાત હતી, પાપ છાપરે ચઢીને પોકાર્યું.

- મિટિંગો થઇ, પણ પરિણામ ન આવ્યું

આ ગોટાળા પ્રકરણમાં સેવા સરકારી મંડળીનાં જેતે વખતનાં મંત્રી દપિક કરૂણાશંકર જોષી પર દોષનો ટોપલો ઢોળી દેવાયો છે. અને ગામનાં આગેવાનો મધ્યસ્થી બની ૫૦ ટકા મંત્રી ભરે અને બાકીની ૫૦ ટકા કમિટીનાં સભ્યો ભરે એવું નક્કી થયા બાદ પણ સવારે કોથળામાંથી બિલાડું નિકળ્યું હતું. અને વાત અટકી પડી હતી. ફરી પાછા હતા ત્યાંને ત્યાં, અંતે પોલીસ ફરિયાદ થઇ.

- ધરપકડ બાદ નવા ફણગા ફૂટશે

આ ગોટાળાનાં બનાવની ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ થશે ત્યારે આ પ્રકરણમાં ખરેખર માસ્ટર માઇન્ડ કોણ ? અને કઇ રીતે ગોટાળો થયો, ખાતર ગયુ ક્યાં, જેવા ફણગા ફૂટે તો નવાઇ નહીં.

- મારા પતિ નિર્દોષ છે : મંત્રીનાં પત્ની

જેના પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે એ મંત્રી દપિકભાઇ જોષીનો સંપર્ક થયો નહોતો. તેમનાં પિત્નનો સંપર્ક થતાં તેમણે કહ્યું, મારા પતિ નિર્દોષ છે. તેનો કોઇ વાંક નથી ખાતર લઇ કોઇક ગયું. અને વાંક મારા પતિનો કાઢે છે.