વાહ રે ! પોસ્ટ તંત્ર : જુનાગઢમાં આ કચેરી છે જ નહીં : માર્યો શેરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દેલવાડાનાં નાગરીકે સમાજ કલ્યાણની કચેરીએ રજીસ્ટર એડી કર્યું હતુ

ઊનાના દેલવાડા ગામનાં એક નાગરીકે આરટીઆઇ હેઠળ માહિતી મેળવવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીનાં સરનામે રવાના કરેલ રજીસ્ટર એડી ‘આ નામની ઓફિસ ન હોવાથી પરત’ નાં શેરા સાથે રીટર્ન આવતા પોસ્ટ ઓફિસની આ તે કેવી કામગીરી એવા સવાલ લોકોમાંથી ઉઠ્યા છે.

તાલુકાનાં દેલવાડા ગામનાં માવજીભાઇ છગનભાઇ વાઢેરે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાંથી આરટીઆઇ હેઠળ જરૂરી માહિતી મેળવવા ગત તા.૬ મેનાં રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, જાહેર માહિતી અધિકારી, બહુમાળી ભવન, જૂનાગઢનાં સરનામે રજીસ્ટર એડી રવાના કર્યા બાદ ગત તા.૧૧ મેનાં બપોરનાં અરસામાં આ નામની ઓફિસ ન હોવાથી પરત એવા લાલ અક્ષરનાં શેરા સાથે પરત આવતા નવાઇ પામી ગયા હતા.

આ પોસ્ટ ઓફિસની બેદરકારી કે પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ માહિતી આપવાના ડરે િસ્વકાયું નહી હોય એવી લોકોમાં ચર્ચા જાગી છે. શું જૂનાગઢમાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરી આવેલ નહી હોય ? એવા સવાલો સાથે તંત્ર આ બાબતે તપાસ કરે તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે. જ્યારે આ અંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (પંચાયત) ની કચેરીનો સંપર્ક કરતા જવાબદાર વ્યક્તિએ જણાવેલ કે જૂનાગઢમાં વિચરતી જાતિની સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ આવેલી છે.