કેશોદ શહેરની પાણી સમસ્યા હલ કરવા ધારાસભ્ય કટિબદ્ધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બંધ રહેલી પાઇપ લાઇનો તથા સમ્પ યુધ્ધના ધોરણે ચાલુ કરાવ્યા : ઓઝતમાંથી હવે ૫૦ લાખ લીટર પાણીનું વિતરણ

કેશોદ શહેરની વિકટ પાણી સમસ્યાને હળવી કરવા ધારાસભ્ય કટીબધ્ધ બન્યા છે. બંધ રહેલી પાઇપ લાઇનો અને સમ્પોને ચાલુ કરાવી ઓઝતમાંથી ૩૫ લાખને બદલે ૫૦ લાખ લીટર પાણીનાં જથ્થાનું વિતરણ શરૂ કરાવતા લોકોમાં રાહતની લાગણી છવાઇ છે.

કેશોદમાં પાણીનાં પોકાર વચ્ચે પાલિકા તંત્ર સાવ નિષ્ક્રીય ભૂમિકામાં છે. ત્યારે નવનિયુકત ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ પરિસ્થિતીનો તાગ મેળવી પાલિકા તંત્રને સાથે રાખી અધિકારીઓને દોડતા કરી શહેરના દરેક વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચ નખાયેલ પાઇપલાઇનો જે કેટલાય વર્ષથી બંધ પડેલ હતી અને ૫૦ લાખ લીટર પાણીની સંગ્રહતા ધરાવતો સંપ તૈયાર બની છેલ્લા બે વર્ષથી બંધ પડેલ હતો એ સંપને તાત્કાલિક ધોરણે ચાલુ કરાવી તેમાં ૫૦ લાખ લીટર પાણી ભરી શહેરમાં વિતરણ શરૂ કરાવતાં લોકોમાં રાહત છવાઇ છે.

આ ઉપરાંત લાઇનોને જોઇન્ટ મારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી શહેરની પાણીની સમસ્યાને હલ કરવાનાં તમામ પ્રયાસો આંરભી દીધા છે. ૧૬ જાન્યુઆરીથી ઓઝત-ર માંથી મળતુ પાણી બંધ થવાનુ હતું. પરંતુ ધારાસભ્યે પાણી પુરવઠાના અધિકારીઓને સાથે રાખી ઓઝત-ર ડેમની સ્થળ મુલાકાત લઇ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ૧૫ ફેબ્રુઆરી સુધી નિર્ણય લંબાવી દીધેલ છે.

આ ઉપરાંત ઓઝત-ર માં કવોટા વધારી ૫૦ લાખ લીટર કરી દેવામાં આવ્યો છે. જેના કારણે શહેરની નવ જેટલી ઓવર હેન્ડ ટાંકીમાં ઠલવાતા વગર પમ્પીંગે ફૂલ ફોર્સથી શહેરમાં પાણી વિતરણ થઇ શકે છે.

- ધારાસભ્યની સિંચાઇ મંત્રીના નિવાસ સ્થાને બેઠક

ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ શહેરનો પ્રશ્ન હલ કરવાના નિષ્ઠા પૂર્વકના તમામ પ્રયાસો કર્યા બાદ ગામડાઓમાં વધુમાં વધુ પાણી મળે તેવા હેતુથી સિંચાઇ મંત્રી બાબુ બોખરીયાના પોરબંદર નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી મુદાસરની રજૂઆતો કરતાં કેશોદ મત વિસ્તારને પુરતુ પાણી મળી રહેશે તેમ સિંચાઇ મંત્રીએ ખાત્રી આપેલ હતી.