તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢને ગુંડાગિરીમાંથી મુક્ત ન કરાય તો આંદોલન : મશરુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળીની રાત્રે ગુંડાઓની ધમાલ સામે ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ ધરણા પર બેઠા 'તા

જૂનાગઢ શહેરમાં દિવાળીની રાત્રે ગુંડાઓએ મહિ‌લાઓની સરાજાહેર છેડતી અને માર મારવાનાં અને દુકાનોમાંથી પૈસા આપ્યા વિના માલ ઝૂંટવી લેવાનાં બનાવને પગલે એ જ દિવસે ધારાસભ્ય મહેન્દ્ર મશરુ અને શહેર ભાજપ પ્રમુખ સંજય કોરડિયા ધરણા પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસ અધિકારીઓએ ગુંડાઓ સામે કાયદાકિય કાર્યવાહીની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો. દરમ્યાન જો એક મહિ‌નામાં જૂનાગઢને ગુંડાઓથી મુક્ત ન કરાય તો ઉપવાસ આંદોલન શરુ કરવાની મશરુએ ચીમકી આપી છે.

મશરુ અને શહેર ભાજપ પ્રમુખ સંજય કોરડિયાએ જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી જૂનાગઢમાં અસામાજીક પ્રવૃત્તિએ માઝા મૂકતાં અનેક વખત પોલીસને લેખિતમાં જાણ કરી અસામાજીકો પર અંકુશ મૂકવા જણાવ્યું હતું. પરંતુ કોઇ અગમ્ય કારણોસર પોલીસ આવી પ્રવૃત્તિ રોકવા કોઇ ઠોસ પગલાં લઇ શકતું ન હોવાથી આવા તત્ત્વો બેફામ બન્યા છે. નિર્દોષ વેપારીઓની દુકાનોમાંથી માલ લઇને પૈસા આપ્યા વિના ચાલતી પકડવી. નિર્દોષ વેપારીઓને માર મારવો. કુમળી વયની સગીર બાળાઓને લલચાવી-ફોસલાવી અપહરણ કરીને બળાત્કાર કરવો. ધાક ધમકીઓ આપવી, જેવા બનાવોથી જૂનાગઢ પોલીસની આબરુ દાવ પર લાગી છે. તેમાંય દિવાળીની રાત્રે બહેનો રોશની જોવા બજારમાં નીકળી હતી ત્યારે અસામાજીક તત્ત્વોએ પોત પ્રકાશ્યું હતું. અને બહેનોનાં પગ પાસેજ ફટાકડા ફોડવાનું શરુ કર્યું હતું.

આથી બહેનોએ ભયભીત બની ફટાકડા દૂર ફોડવાનું કહેતાં બહેનોનાં ચોટલા ઝાલીને ભર બજારમાં માર મારવાનો બનાવ બનતાં તેમજ ફટાકડાની દુકાનોમાંથી ફટાકડાની લૂંટ, ઉપરકોટ વિસ્તારમાં નિર્દોષ લોકોને ઢોર માર મારવાનાં બનાવને પગલે અમારે દિવાળીનીજ રાત્રે પોલીસ સ્ટેશને ધરણાં પર બેસવું પડયું હતું. પોલીસે નિિષ્ક્રયતા ખંખેરીને પ્રજાનાં જાન-માલનાં રક્ષણ માટે ઠોસ પગલાં લેવા જોઇએ. જો ૧ માસમાં જૂનાગઢને ગુંડાગીરી, લુખ્ખાગીરી અને મવાલીગીરીમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો ફરીથી આંદોલન કરાશે. ધરણાં વખતે પૂર્વ પ્રમુખ ભીખુભાઇ યાદવ, શહેર ઉપપ્રમુખ અમૃત દેસાઇ, ભરત કારેણા, જગદીશભાઇ ચોલેરા, ઉત્કલભાઇ પુરોહિ‌ત, સહિ‌તનાં ઉપસ્થિત રહ્યા હતા.