• Gujarati News
  • Malia Taluka President Arrest For Gambling In House Latest News

માળિયા તા.પં.પ્રમુખ પોતાનાં ઘરે જુગારધામ ચલાવતા ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સચોટ બાતમી | કોંગ્રેસ - ભાજપનાં આગેવાનો, ભાવનગર પીએસઆઇ સહિત આવ્યા સકંજામાં
- વતન ગળોદરમાં એલસીબીએ ત્રાટકી પાંચની કરી અટક

જૂનાગઢ: માળિયાહાટીના તા.પં.નાં પ્રમુખ અને કોંગ્રેસનાં આગેવાન પોતાના વતન ગળોદર ગામે ઘરમાં જુગારધામ ચલાવતા ઝડપાઇ જતાં પંથકમાં ચકચાર પ્રસરી ગઇ છે. એલસીબીએ પૂર્વ બાતમીના આધારે આજે સાંજે રેઇડ કરી તા.પં. પ્રમુખ, ભાજપ અગ્રણી, ભાવનગરનાં પીએસઆઇ સહિત પાંચને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઇ 24 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.

માળિયાહાટીના તાલુકા પંચાયતનાં પ્રમુખ અને કોંગ્રેસનાં અગ્રણી આગેવાન ખુંમાણભાઇ જીવાભાઇ સિંધવ વતન ગળોદર ગામે પોતાના ઘરે જુગારધામ ચલાવતા હોવાની પૂર્વ બાતમીનાં આધારે જૂનાગઢ એલસીબીનાં પીએસઆઇ કે.આર. પરમાર અને સ્ટાફે આજે સાંજનાં અરસામાં ગળોદર ગામે તેમનાં બંગલામાં રેઇડ કરતાં એક રૂમમાં હારજીતનો જુગાર રમાઇ રહયો હોય તીનપત્તીની બાજી માંડીને બેસેલા ખુંમાણભાઇ સિંધવ, તા.પં.નાં માજી પ્રમુખ અને ભાજપનાં આગેવાન હમીરભાઇ એભલભાઇ સિસોદીયા (રહે.માળિયા), હઠ્ઠીસિંહ નાગભાઇ સિસોદીયા (રહે.માળિયા), ડો.જાહીદ અહેમદભાઇ નોઇડા (રહે.માળિયા) અને ભાવનગરનાં પીએસઆઇ ભીમાભાઇ માલદેભાઇ (બી.એમ.આહિર) (રહે.મોતીપેલેસ, ટીંબાવાડી- જૂનાગઢ)ને ઝડપી લઇ જુગારપટ્ટમાંથી 24,300ની રોકડ, બે મોબાઇલ સહિત કુલ રૂા.28,300નો મુદામાલ કબજે કર્યો હતો.

ખુંમાણભાઇ સિંધવ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખેડો ચલાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આગળની તપાસ માળિયા પીએસઆઇ પી.ડી. પરમારે હાથ ધરી છે. કોંગ્રેસ - ભાજપનાં આગેવાનો જુગારમાં ઝડપાતા ગળોદર ગામ સહિત માળિયા પંથકમાં સનસની મચી ગઇ હતી.