કાબૉઇડથી પકાવેલી દોઢ ટન કેરીનો મહાપાલિકાએ કર્યો નાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૮ વેપારીઓ પાસેથી રૂ. ૭,૬૦૦નો દંડ વસુલ્યો

જૂનાગઢ શહેરમાં કાબૉઇડથી કેરી પકવવામાં આવે છે. અને આ કેરીનું બેફામપણે વેચાણ થતુ હોઇ આવા વેપારીઓ સામે મનપાએ લાલ આંખ કરી હતી છે. આજે ઠેર-ઠેર રેડ કરી દોઢ ટન જેટલી કાબૉઇડવાળી કેરીનો નાશ કર્યો હતો. તેમજ ૧૮ વેપારીઓ પાસેથી રૂ. ૭૬૦૦નો દંડ વસુલ્યો હતો.

કેરીની સિઝન પૂરબહારમાં ખીલી છે. જૂનાગઢની બજારમાં કેસર કેરીની પુષ્કળ આવક થઇ રહી છે. શહેરનાં મુખ્યમાર્ગો ઉપરાંત ઠેર-ઠેર કેરીનાં ગોડાઉનો ભરી દેવામાં આવ્યા છે. કેરીને ઝડપથી પકવવા કાબૉઇડનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. તેની અનેક ફરિયાદો ઉઠતાં મ્યુનિ.કમિશનર દિલીપ રાણા અને ડે.કમિશનર હળબેની સુચનાથી ફુડ એન્ડ ડ્રગનાં અધિકારી કથીરીયા, હેલ્થ ઓફિસર ખેરાણી, જીજ્ઞેશ વ્યાસ સહિતની મનપાની ટીમે કાબૉઇડથી કેરી પકવતા વેપારીઓને ત્યાં ચેકીગની કામગીરી હાથ ધરી હતી.

શહેરનાં દિવાનચોક, ભૂતનાથ, મોતીબાગ રોડ સહિતનાં વિસ્તારમાં તપાસ કરી હતી. મનપાની આ તપાસ દરમ્યાન કાબૉઇડથી કેરી પકાવાતી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ કાબૉઇડથી પકાવેલી દોઢ ટન કેરી જપ્ત કરી હતી. અને આ કેરીનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ૧૮ વેપારીઓને રૂ.૭૬૦૦નો દંડ ફટકારાયો હતો. ઉપરાંત મનપાની ટીમે ૮ કિલો કાબૉઇડનો જથ્થો પણ પકડી પાડ્યો હતો. મનપાની આ કામગીરીથી કાબૉઇડથી કેરી પકવતા અને વેચતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.