સિંહ માટે કરમદીનાં ઢુવા એસી રૂમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગરમીથી બચવા વન્ય પ્રાણીઓ કુદરતી આશ્રયસ્થાનો શોધે છે

ગરમીનો પારો ૪૧ ડીગ્રીને આંબી ગયો છે. કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવીત બન્યું છે. ગરમીથી બચવા લોકો તો એસીનો સહારો લઇ રહ્યા છે. પરંતુ જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ ગરમીથી અકળાઇ ઉઠયા છે. ગરમીથી બચવા જંગલનો રાજા કરમદીનાં ઢૂવાનો સહારો લઇ રહ્યો છે. કરમદીનાં ઢૂવા તેમના માટે એસી રૂમથી કમ નથી. અહીં તેઓ ઠંડકનો અનુભવ કરે છે.

આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. લોકો અકળાઇ ઉઠયા છે. ચામડી દઝાડતી ગરમીથી બચવા લોકો એસી-કુલરનો સહારો લઇ રહ્યા છે. ગરમીમાં લોકોએ ગરમીથી પરેશાન થઇ ગયા છે. ત્યારે વન્ય પ્રાણીઓ ગરમીથી બચવા રહેઠાણ શોધી રહ્યા છે. ઉનાળાની સીઝનમાં જંગલ સુકાઇ ગયા છે. લીલો છાંયડો જોવા મળતો નથી. આવા સંજોગોમાં વન્ય પ્રાણીઓ ગરમીથી બચવાનો ઉપાય શોધી રહ્યા છે. વન્ય પ્રાણીઓમાં ખાસ કરી સિંહને ગરમી વધુ લાગે છે. ગરમીથી બચવા સિંહ ઠંડકવાળી જગ્યાની શોધમાં રહે છે. આવા સંજોગોમાં સિંહ બારે માસ લીલા રહેતા વૃક્ષો અને કરમદીનાં ઢુવાનો સહારો લે છે. ગરમીની સીઝનમાં કરમદીનાં ઢુવા એસીની ગરજ સારે છે. દિવસભર સિંહ કરમદીનાં ઢૂવામાં બેસી રહે છે.

પાણીનાં ૧૦૦ કૃત્રિમ પોઇન્ટ ઉભા કરાયા
જૂનાગઢ ગિરનાર જંગલમાં ઉનાળાની સીઝનને ધ્યાને રાખી વન્ય પ્રાણીઓ માટે પાણીનાં પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ગિરનાર જંગલમાં ૧૦૦ જેટલા કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જે પવન ચક્કી અને ટેન્કરનાં માધ્યમથી ભરવામાં આવી રહ્યા છે.

સિંહનાં ખોરકમાં ૨૦ ટકાનો ઘટાડો : આરએફઓ
દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂએ જણાવ્યું હતું કે, ગરમીનાં કારણે સિંહની દિનચર્યા બદલી જાય છે. ગરમીનાં કારણે દિવસભર આરામ કરે છે. અને રાત્રીનાં શિકાર કરવા માટે નિકળે છે. તેમજ તેમનાં ખોરાકમાં પણ ઘટાડો થયો છે. શિયાળાની સીઝન કરતાં ૨૦ ટકા જેટલો ખોરાક ઘટી ગયો છે. જંગલમાં મારણ પણ ઓછા થઇ ગયા છે.