ઇનફાઇટમાં ઘાયલ દીપડાનું સારવારના અભાવે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બેદરકારી : રેસ્કયૂ ટીમ પાંચ કલાક મોડી પહોંચી
- વિસાવદરના પ્રેમપરાની સીમમાં ઘાયલ દીપડો ખેડૂત પર ત્રાટક્યો અને ઢળી પડયો હતો

વિસાવદર: વિસાવદરનાં પ્રેમપરાની સીમમાં સોમવારે સવારે આંબાનાં બગીચામાં ઘાયલ દીપડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિષ કરી ત્યાં જ ઢળી પડયો હતો. ખેડૂતે વન તંત્રને જાણ કરી હતી પરંતુ રેસ્ક્યુ ટીમ પાંચ કલાક મોડી આવતાં દીપડાનું મોત થયું હતું. વિસાવદરનાં પ્રેમપરા ગામની સીમમાં આંબાની કલમો જોવા સોમવારે સવારે ૯ વાગ્યે જયસુખભાઇ વલ્લભભાઇ ગોંડલીયા ગયા હતા ત્યારે દીપડાએ હુમલો કરવાની કોશિષ કરી ત્યાં જ ઢળી પડયો હતો.

આ દીપડો ઘાયલ હોવાનું જણાતા જયસુખભાઇએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર કે.એન.વીરડા, કે.એ.ભટ્ટી, એ.એન.ગઢવી સ્થળ પર દોડી ગયેલ અને રેસ્કયુ ટીમને મોકલવા ઉપલા લેવલે જાણ કરી હતી. ત્યારબાદ છેક પાંચ કલાકે ધારીની રેસ્કયુ ટીમ આવી હતી અને તેને પકડવાની કોશિષ દરમિયાન સમયસર સારવાર ન મળતા દીપડો મોતને ભેટયો હતો.

ઇનફાઇટમાં ઇજા અને ઉમરને કારણે થયું છે મોત : આરએફઓ

આ અંગે વિસાવદર રેન્જનાં આરએફઓ એ.જે.ગોંધીયા સાથે વાત કરતા આ દીપડો બારથી તેરવરસની ઉમરનો અને અન્ય કોઇ વન્ય પ્રાણી સાથેની ઇનફાઇટમાં તેને પેટનાં પાછળનાં ભાગે ગંભીર ઇજા થયેલ તેમજ વય મોટી હોવાથી પણ મૃત્યુ પામેલ હોવાનું જણાવ્યુ હતું.