લીંબુનાં ભાવ ઉછળ્યા : કિલોનાં ૧પ૦

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કમોસમી વરસાદથી ધારેલું ઉત્પાદન બજારમાં ન આવતા ભાવ આકરા
-ભાવ આસમાને : છૂટક ખરીદીમાં એક લીંબુનાં પાંચ રૂપિયા


એપ્રિલ મહિ‌નામાં ગરમીની સિઝન દિનપ્રતિદિન આકરી બની રહી છે. ગરમીના દિવસોમાં લીંબુ સરબત શરીરમાં શક્તિદાયી ઉપરાંત સ્વાસ્થ્ય માટે લાભપ્રદ સાબિત થાય છે. પરિણામે ગરમીની સિઝનમાં લીંબુનો મહત્તમ ઉપાડ થાય છે, તેની સાથે લીંબુના ભાવ આસમાને પહોંચે છે. પરંતુ ચાલુ વર્ષે શિયાળાની ઠંડી દરમિયાન વરસેલા કમોસમી વરસાદ-માવઠાંને કારણે લીંબુના ઉત્પાદન પર અસર થતાં પહેલી વખત લીંબુના પ્રતિ કિ.ગ્રા.ના ભાવ રૂપિયા ૧પ૦ સુધીએ પહોંચતાં ગ્રાહકોના દાંત ભાવ સાંભળીને ખાટા થઇ રહ્યા છે. જયારે છૂટક બજારમાં એક લીંબુનાં પાંચ રૂપિયા બોલાઇ રહ્યા છે.

લીંબુ એટલે ભરપૂર વિટામીન-સી આપતું અનોખું ફળ. લીંબુનો સૌથી વધુ ઉપયોગ ઉનાળામાં અને ચોમાસા દરમિયાન થાય છે. જેથી આ મહિ‌નાઓમાં લીંબુના ભાવ સામાન્ય રીતે પ્રતિ કિ.ગ્રા.ના રુપિયા ૬૦ થી રૂપિયા ૮૦ ની આસપાસ રહે છે. ક્યારેક માગ સામે ઉત્પાદન ઓછું હોય ત્યારે લીંબુનો ભાવ વધીને રુપિયા ૧૦૦ સુધી પહોંચે છે. પરંતુ અત્યાર સુધી લીંબુનો ભાવ ક્યારેય રૂપિયા ૧૦૦ થી વધ્યો નથી. જો કે, ચાલુ વર્ષે શિયાળાની મોસમ દરમિયાન વાતાવરણમાં પરિવર્તનને કારણે છાશવારે વાદળછાયા માહોલ અને કમોસમી વરસાદ વરસવાની ઘટનાને કારણે લીંબુના પાકને નુકશાન થયું છે. કમોસમી વરસાદને કારણે લીંબુના વૃક્ષ પર લાગતાં ફુલ ખરી પડવાને કારણે લીંબુનું ધાર્યું ઉત્પાદન બજારમાં આવતું નથી. જેની સીધી અસર તેના ભાવ પર વર્તાઇ છે. બજારમાં માગ મુજબ લીંબુનો પુરવઠો ઓછો આવવાને કારણે તેના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શિયાળાની વિદાય વેળા રૂપિયા ૪૦ ના કિ.ગ્રા.ના ભાવે મળતા લીંબુનો ભાવ પહેલાં વધીને રૂપિયા ૬૦, પછી રૂપિયા ૮૦ ત્યારબાદ રૂપિયા ૧૦૦ અને હવે રૂપિયા ૧પ૦ની અત્યારના વર્ષોની મહત્તમ સપાટીએ પહોંચી જતાં છુટક બજારમાં તો લીંબુનુ નામ લેવાતુ નથી. છૂટક ખરીદીમાં તો એક લીંબુનાં પાંચ રૂપિયા છે.

ભાવ ઝડપથી વધતાં આશ્ચર્ય સર્જા‍ય છે

લીંબુના ભાવ અત્યાર સુધીના વર્ષોમાં પહેલી વખત રૂપિયા ૧૦૦ ની ઉપર ગયા છે. એટલું જ નહીં ગરમીની સિઝન શરૂ થયા બાદ લીંબુના ભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હોઇ આશ્ચર્ય થાય છે. ચાલુ વર્ષે માવઠાંને કારણે લીંબુના પાકને નુકશાન થવાથી તેની અસર ભાવ પર જોવા મળી રહી છે. એટલું જ નહીં ગ્રાહકો સાથે લીંબુના ભાવને કારણે ખૂબ જ કચકચ કરવી પડે છે.