ઊનાનાં આમોદ્રા પ્રા.શાળામાં છાત્રો પાસે કરાવાતી મજૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - શાળામાં મજૂરી કરતી બાળાઓ)

-પ્રા.શાળાનો સ્ટાફ ઘરે આરામમાં અને છાત્રો દ્વારા થતી શાળાની સાફ સફાઇ

ઊના: ઊનાનાં સનખડા ગામની કુમાર અને કન્યા શાળાનાં વિદ્યાર્થીઓ પાસે પટ્ટાવાળા જેવી કામગીરી કરાવતા હોવાનાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તાલુકાનાં આમોદ્રા ગામની પ્રા.શાળાની પણ કંઇક આવી પરિસ્થિતીનાં દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હોય આ દ્રશ્યોમાં શાળામાં અભ્યાસ કરતા છાત્રો પાસે જાણે કે બાળમજૂરી કરાવતા હોય તેમ શાળામાં એક પણ શિક્ષક હાજર નહી અને છાત્રો દ્વારા સાફ સફાઇ થતી હોય આ દ્રશ્ય કંઇ માત્ર એક દિવસ પુરતુ નહી પરંતુ દરરોજનું હોવાનું છાત્રો જણાવી રહ્યા હતા.
આમોદ્રા કુમાર પ્રા.શાળાનો સમય સવારનાં 11 થી 5 વાગ્યાનો હોય અને છાત્રો સવારનાં સમયે શાળાનાં દરવાજાને તાળુ મારેલ હોય અમુક છાત્રો તો દરવાજો ઓળંગીને શાળાનાં ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા હતા ત્યાં અચાનક કોઇ શિક્ષકે આવીને ગેઇટ 10 થી 10:15 વાગ્યાની આસપાસ ખોલીનેએ શિક્ષક ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં કુમાર પ્રા.શાળાની તદન બાજુમાં આવેલ કન્યા પ્રા.શાળાની વિદ્યાર્થીનીઓ પણ આવી પહોંચેલ ત્યારબાદ આ બંને પ્રા.શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાનું મેદાન, પ્રિન્સીપાલ સાહેબની ચેમ્બર કલાસરૂમની સફાઇ ગણવેશ પહેરલ હોય અને શરૂ કરાવેલ હતી. આ વખતે મીડીયા કર્મીઓ ત્યાં પહોંચેલ હોય આવા દ્રશ્યો કેમેરામાં કલીક થયેલ તે વખતે શાળામાં ફરજ બજાવતા એક પણ જવાબદાર શિક્ષક હાજર ન હતા અને આ શાળાનાં વિદ્યાર્થીઓ કચરો ભેગો કરી અને તેનો વજન ઉચકીને અન્ય જગ્યાએ ફેકવા પણ જતા હતા તેમજ કુમાર પ્રા.શાળાનાં વિદ્યાર્થીઓ શાળાનાં શૌચાલય પણ સારૂ કરતા હોવાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ દ્રશ્યો જોઇ તાલુકા શિક્ષણ અધિકારી જયેશ ગોસ્વામીનાં સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે, ખરેખર આવુ ન હોવું જોઇએ પણ શાળાની વાસ્તવિક પરિસ્થિતીનો ચિતાર આપવામાં આવતા તેમણે કહેલ હતુ કે, વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ થતી હોય એ વખતે શાળાનાં શિક્ષકોએ માથે ઉભુ રહેવું જોઇએ પણ અહીંયા એવું પણ નથી ત્યારે આ બાબતની ગંભીરતા લઇ તપાસ કરવામાં આવશે તેવું તાલુકા શિક્ષણાધિકારીએ જણાવેલ હતુ આમ પ્રા.શાળાનાં છાત્રો જાણે કે બાળમજૂરી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પ્રા.શાળામાં જોવા મળતા હતા. જ્યારે આ અંગે ટીડીઓ વ્યાસ સાથે રૂબરૂ વાત કરતા તેમણે પણ આ વાતનો સ્વીકાર કરતા જણાવેલ હતુ કે, આવા દ્રશ્યો મે પણ જોયા છે અને આવુ શાળાઓમાં ચલાવી ન લેવાય આ માટે હું જવાબદાર સ્થાનિક શિક્ષણ વિભાગનાં અધિકારીને સુચના આપુ છું અને જરૂર પડયે હું પણ સરપ્રાઇઝ વિઝીટમાં જઇશ.