તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Junagadh Jirunam Warehouse Conspiracy Contrived Lagadai 'acute Fire

જૂનાગઢમાં જીરૂનાં ગોડાઉનમાં ષડયંત્ર રચી લગાડાઇ ’તી આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફાયનાન્સ કંપનીનાં મેનેજરે બે સામે ૩.૯૬ કરોડની છેતરપીંડીની નોંધાવી ફરિયાદ : એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ

જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા જીરૂનાં ગોડાઉનમાં આઠ દિવસ પૂર્વે ષડયંત્ર રચી આગ લગાડવામાં આવી હોવાનું અને આ પ્રકરણમાં ફાયનાન્સ કંપનીનાં મેનેજરે બે શખ્સો સામે ૩.૯૬ કરોડની છેતરપીંડી - વિશ્વાસઘાતની પોલીસમાં ફરિયાદ નોંધાવવાનાં પગલે એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં દોલતપરામાં માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા એનબીડીસી (બ્લુબર્ડ એગ્રો સેન્ટર) નામની કંપનીનું ગોડાઉન આવેલું હોય જેમાં ગત ૧ જૂલાઇનાં મધરાતનાં અરસામાં અચાનક ભિષણ આગ ભભૂકી ઉઠતાં મનપાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ પાણીનો મારો ચલાવતાં ૧૦ કલાકે આગ કાબુમાં આવી હતી.
આ આગની ઘટનામાં કંપનીનાં અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં રહેતા મેનેજર સી. પી. શેખે કંપનીનાં સુપરવાઇઝર બાંટવાનાં જશા રાડા અને લાયઝનર જૂનાગઢનાં કિશોર રાઘવ ગધેસરીયા નામનાં બે શખ્સો સામે ષડયંત્ર રચીને આગ લગાડી ૩ કરોડ ૯૬ લાખ ૧૧૫૧૦ નું નુકશાન પહોંચાડી છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ એ-ડીવીઝન પોલીસમાં નોંધાવતાં આ ચકચારી પ્રકરણમાં એલસીબીનાં પીઆઇ વોરાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- આગ સમયે ગોડાઉનમાં તાળા

આગનાં બનાવનાં સમયે ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચેલ ત્યારે ગોડાઉનમાં ચાર તાળા મારેલા હોય આગને કાબુમાં લેવા તેને તોડવા પડ્યા હતાં.

- માલિકો ફરક્યા ન હતાં

આ ભિષણ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડનાં સ્ટાફને ૧૨ પાણીનાં બંબા ખાલી કરવા સાથે ૧૦ કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ કંપનીનાં માલિકો, ગોડાઉનકીપર કે કોઇપણ સ્ટાફ ફરકયો ન હતો. શહેરમાં કંપનીની ઓફિસ પણ હોવાનું જાણવા મળે છે.

- લોન ન ભરવા રચ્યું કાવત્રુ

લોન ન ભરવા અને વિમો પકાવવા આગ લગાડાઇ હોવાનું કંપનીનાં મેનેજરે ફરિયાદમાં નોંધાવ્યું છે. બે શખ્સો સિવાય વધુ લોકો પણ આ ષડયંત્રમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે.

- જીરૂની ગુણીમાં મગફળીની ફોતરી ભરી દીધી હતી

કાવત્રુ કરનારા શખ્સોએ ગોડાઉનમાં સંગ્રહ કરેલી જીરૂની ગુણીઓમાંથી જીરૂનો જથ્થો ખાલી કરી તેમાં મગફળીની ફોતરી ભરી દઇ આગ લગાવી હોવાનું કંપનીનાં મેનેજરે ફરિયાદમાં નોંધાવ્યું છે.

- ખેત જણસ સામે કંપની લોન આપે છે

આ આગનાં બનાવની છેતરપીંડીનાં કિસ્સામાં તપાસ કરી રહેલા એલસીબીનાં પીઆઇ વોરાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે એનબીડીસી પ્રાઇવેટ કંપની છે અને ખેતીની જણસ સામે ખેડૂતોનો માલ લઇ ૭૦ ટકા જેવું ધીરાણ / લોન આપે છે.