• Gujarati News
  • Junagadh District Panchayat President Death In Accident When India Tour

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખને કેરળમાં કાળ ભેટ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગોળ સર્કલ દર્શાવેલી તસવીરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિવીબેન બારૈયા)
- દુર્ઘટના| રામેશ્વર દર્શન કરીને કન્યાકુમારી જતી વેળાએ અર્નાકુલમ પાસે કાર પલટી જતાં અકસ્માતમાં મોત
- રાજ્યભરની જિલ્લા પંચાયતોના પ્રમુખો તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા હૈદ્રાબાદ ગયા હતા

જૂનાગઢ: ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના ઉપક્રમે હૈદ્રાબાદ ખાતે રાજ્યની તમામ જિલ્લા પંચાયતોના પ્રમુખો માટેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ પૂર્ણ થયા બાદ તમામ પ્રમુખ અને સાથેના લોકોનો કાફલો મોટર માર્ગે રામેશ્વર ગયો હતો, અને ત્યાંથી કન્યાકુમારી જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં એર્નાકુલમ પાસે ગાડી સ્લીપ થઇને રોડ પરથી નીચે ઉતરી જતાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ દિવીબેન બારૈયાનું માથામાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. તેમની સાથે ગયેલા પૈકી વાસોજના દિનેશ વાળા ગંભીર છે, જ્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બનાવ બાદ ઇજાગ્રસ્તોને નજીકના નારોલ ગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગુજરાત પંચાયત પરિષદના ઉપક્રમે હૈદ્રાબાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખો માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી રાજ્યની 18 જિલ્લા પંચાયતોના પ્રમુખો, 22 માજી જિ.પં. પ્રમુખો, વિવિધ સમિતિઓના સભ્યો મળી કુલ 40 લોકો હૈદ્રાબાદ ગયા હતા અને ત્યાંથી તમામ લોકો રામેશ્વરના દર્શન કર્યા બાદ આખો કાફલો કન્યાકુમારી જવા નીકળ્યો હતો, ત્યારે શનિવારે સાંજે કન્યાકુમારીથી 40 કિમી પહેલાં એર્નાકુલમ પાસે દિવીબેન જે કારમાં બેઠા હતા તેનું ટાયર ફાટતાં કાર વરસાદી માર્ગો પરથી સ્લીપ થઇને પલટી ખાઇ ગઇ હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. જેમાં દિવીબેન બારૈયા, તેમના વતન વાંસોજ ગામનો યુવાન દિનેશ શાર્દુલભાઇ વાળા અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ હેમલતાબેન પટેલને નારોલા ખાતેની હોસ્પિટલે ખસેડ્યા હતા.

જ્યાં દિવીબેનનું મૃત્યુ થયું હતું, જ્યારે દિનેશ વાળા કોમામાં છે અને સાબરકાંઠા જિ.પં. પ્રમુખ હેમલતાબેન પટેલને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી તેમની સાથે ગયેલા ગુજરાત પંચાયત પરિષદના સેક્રેટરી અને જૂનાગઢ જિ.પં.ના માજી પ્રમુખ ભરત ગાજીપરાએ તેમજ અમરેલી જિ.પં. પ્રમુખ શરદ લાખાણીએ પુષ્ટિ કરી હતી. દિવીબેનની કારમાં તેમના પતિ બાબુભાઇ બારૈયા પણ હતા, પરંતુ તેઓ હેમખેમ છે. દિવીબેનના મૃતદેહને બાદમાં એર્નાકુલમ ખસેડાયો હતો, જ્યાં તેમનું પીએમ કરાયા બાદ તેમના પતિને સોંપવામાં આવશે એમ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરારે જણાવ્યું હતું.
આગળ વાંચો, મૃતદેહ રવિવારે ઊનાના વાંસોજ લવાશે, કોઇને બાહ્ય ઇજાઓ નથી