તાલાલા યાર્ડમાં કેરીના આઠ લાખ બોક્સ ઠલવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા પંથકમાં કેસર કેરીની સીઝનનો મુખ્ય તબક્કો શરૂ થઈ ચૂકયો હોય છેલ્લા પાંચ દિવસથી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ૩૫ થી ૪૦ હજાર કેરીનાં બોક્સ વેંચાણ માટે આવી રહ્યાં હોય અત્યાર સુધીમાં કેરીનાં આઠ લાખ બોક્સની આવક થઈ ચૂકી છે. પુષ્કળ પ્રમાણમાં આવતી કેરી ખરીદવા ખાવાવાળા વર્ગ ઉપરાંત કેરીમાંથી પલ્પ-સોફ્ટડ્રીન્કસ-આઈસક્રીમ બનાવતી કંપનીઓ, સપ્લાયરો મારફત મોટી સંખ્યામાં કેરીની ખરીદી માટે માર્કેટમાં આવતા કેરીનું વેંચાણ સારૂ થઈ રહ્યું છે અને ખેડૂતોને વેંચાણ ભાવ પણ સરેરાશ સારા મળી રહ્યાં છે.

તાલાલા પંથકની આર્થિક સમૃધ્ધી વધારતી કેસર કેરી ગીર પંથકની મુખ્ય ખેત પેદાશ છે. હાલ કેસર કેરીની સીઝન પૂરબહારમાં ચાલુ હોય કેરીનો પાક ઉપર આવી જતા બગીચાઓમાંથી ખેડૂતોએ કેરી ઉતારવાનું પ્રમાણ વધારી દીધુ છે. છેલ્લા દિવસોથી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની દરરોજ ૩૫ થી ૪૦ હજાર બોક્સની આવક થઈ રહી છે.

આજ સુધીમાં યાર્ડમાં કેરીની કુલ આવક આઠ લાખ બોક્સને આંબી ગઈ છે. પુષ્કળ પ્રમાણમાં વેંચાણ માટે આવતી કેરી ખરીદવા સૌરાષ્ટ્ર- ગુજરાતનાં સેન્ટરોનાં ફ્રૂટના વેપારીઓ ઉપરાંત આખા વર્ષ દરમિયાન કેરીનો રસ સોફ્ટડ્રીન્કસ-આઈસક્રીમ બનાવી માર્કેટમાં વેંચાણ કરતી કંપનીઓ અને કેનીંગ પ્લાટનોએ સપ્લાયરો મારફત કેરીની ધૂમ ખરીદી શરૂ કરાવી હોય કેરીનાં ભાવ જળવાઈ રહ્યાં છે.

કેસર કેરીની સીઝન હજુ ૧૦ જુન સુધી તાલાલા પંથકમાં ચાલશે તેવુ વેપારી અને ખેડૂતો જણાવી રહ્યાં છે. આજે તાલાલા યાર્ડમાં ૩૨ હજાર બોક્સની આવક થઈ હતી. છેલ્લા બે દિવસથી ગીર પંથકમાં હવામાન પલટાતા વરસાદ વહેલો થવાનાં એંધાણ દેખાય છે. વરસાદ ૧૦ જુન સુધી નહી થાય તો તાલાલા પંથકની કેસર કેરીની સીઝન સમયસર પૂરી થશે.

- ગીરમાંથી દરરોજ એક લાખ બોક્સનું વેચાણ

તાલાલા પંથકમાંથી કેરીની સીઝનનાં હાલનાં તબક્કે દરરોજ એક લાખ કેરીનાં બોક્સ યાર્ડ ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુનાગઢ, ગોંડલ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ જેવા શહેરોમાં વેંચાણ માટે જઈ રહ્યાં છે. ચાલીસ ટકા કેરીનો હીસ્સો તાલાલા યાર્ડમાં વેંચાણ માટે આવે છે. સાંઈઠ ટકા માલ ખેડૂતો બહારગામની પેઢીઓમાં વેંચાણ માટે નાંખે છે.

- કોનિંગ પ્લાન્ટો રોજ ૨૫ હજારથી વધુ બોક્સ કેરી ખરીદે છે

તાલાલા યાર્ડમાં ૩૫ હજારથી વધુ કેરી વેંચાણમાં આવે છે જેમાંથી સીત્તેર ટકાથી વધુ કેરી કેંનીંગ પ્લાન્ટો માટે કેરીની ખરીદી થાય છે. હરાજીમાં ૨૫ હજાર થી વધુનાં બોક્સ કેંનીંગ પ્લાન્ટો માટે સપ્લાયરો ખરીદ કરે છે.

- વર્ષ ૨૦૦૪માં કેરીની સૌથી વધુ આવક ૧૩ લાખ બોક્સ થઈ હતી

તાલાલા પંથકમાં વર્ષ ૨૦૦૪ દરમિયાન કેસરકેરીની સીઝન ખૂબ જ સારી થઈ હતી. ૨૦૦૪માં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીનાં ૧૩ લાખ બોક્સનું વેંચાણ થયું હતું અને સીઝન જુનનાં અંત સુધી ચાલી હતી. ચાલુ વર્ષે કેરીની આવક અત્યાર સુધી સારી છે. પરંતુ તા.૨૭મેને સોમવારે તાલાલા યાર્ડમાં ૩૬૮૦૦ બોક્સની આવક થઈ હતી. આજે ૨૮મેનાં ૩૧૫૦૦ બોક્સની આવક થતા પાંચ હજાર બોક્સ એક દિવસમાં ઘટતા કેરીની સીઝનનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે.