તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો ખેતીને પ્રોફેશન બનાવે, નહીંતર મુશ્કેલી : રાજ્યપાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- માર્ગદર્શક શીખ: જૂનાગઢ કૃષિ યુનિ.માં 10 મો પદવી દાન સમારંભ યોજાયો : 330 વિદ્યાર્થીઓ બન્યા કૃષિ સ્નાતક : ગાંધીજીનો કૃષિ સંદેશ ભૂલાયાનો વસવસો કર્યો

જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર 330 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી. જેમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીનાં તજજ્ઞ વિદ્યાર્થીઓ તેમનું જ્ઞાન ખેડૂત સુધી પહોંચાડે એ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે ગાંધીજીનાં ગ્રામ સ્વરાજ અને કૃષિનો સંદેશ ભૂલી ગયા છીએ. વાયબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પંજાબ અને ઇઝરાયલનાં પ્રતિનિધીએ આપેલું ભાષણ ચોટદાર હતું. કૃષિ વિદ્યાલયનું કામ ગામડાની યુવા શક્તિને કૃષિ પ્રત્યે મમત્વ જગાવવાનું છે. કૃષિમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય તે માટે પ્રયત્નો કરવા પણ તેમણે સુચવ્યું હતું.

આ ઉપરાંત દેશમાં ઘણા લોકો અન્નનો દાણો મોમાં નાંખ્યા વિના ભૂખ્યા પેટે સુવે છે. એ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. વિતરણ, ઉત્પાદન અને માર્કેટીંગની નિતીઓને પ્રોત્સાહિત કરવા તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણી પાસે જમીન અને જળ સિમીત માત્રામાં છે વર્ષ 2050 સુધીમાં વસ્તી વધારો થશે ત્યારે ઓછી જમીન અને જળમાં ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન ખેડૂતો કરે તે જરૂરી છે. યુવાન ખેતીને પોતાનું પ્રોફેશન બનાવે તે જરૂરી છે. નહિતર આગામી સમયમાં ખેતી ક્ષેત્રે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

એવી વ્યથા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા ગુણવત્તાયુકત ખેત ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. તેમજ ખેડૂત જો સંતોષી ન હોય તો તેના માટે ખેતીને વ્યવસાય બનાવવાની જરૂર છે. જેમાં બીએસસી (એગ્રી) નાં 95, બીટેક (એગ્રો એન્જિનિયરિંગ) નાં 71, બીએફએસસીનાં 14, એમએસસીનાં 13, એમવીએસસીનાં 3, એમબીએ (એગ્રી બિઝનેશ) નાં 19, પીએડીનાં 14 વિદ્યાર્થીઓ સામેલ છે. વિદ્યાર્થીઓને 42 ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને બે કેશ પ્રાઇઝ એનાયત કરાયા હતા. આ તકે ડો. અરવિંદકુમાર (ડે.ડાયરેકટર જનરલ આઇસીએઆર-ન્યુ દિલ્હી, રાજ્યકક્ષા કૃષિ નાગરિક ઉડ્ડયન મંત્રી જશા બારડ, કૃષિ યુનિ. કુલપતિ ડો. એ. આર. પાઠક, કુલ સચિવ ડો. કે. બી. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

પાક અને બજાર કિંમત વચ્ચે મોટો તફાવત

રાજ્યપાલે જણાવ્યુ કે, ખેડૂતે ખેતરમાં પકવેલી ચીજવસ્તુ જ્યારે બજારમાં આવે છે. ત્યારે ઉત્પાદનની મૂળ કિંમત અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત છે. તેનો ફાયદો ખેડૂતો તરફ વાળવો પડશે. આ માટે માર્કેટીંગ પદ્ધતિનું વૈજ્ઞાનિકરણ કરવા તેમણે જણાવ્યું હતું. અને મોર્ડન માર્કેટીંગ સીસ્ટમની જાણકારી આપવા કૃષિ યુનિવર્સિટી પ્રયાસો કરે એવો અનુરોધ કર્યો હતો.

નવનિર્મિત બાગાયત ભવનનું લોકાર્પણ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે યોજાયેલા 10 મા વાર્ષિક પદવીદાન સમારંભ પૂર્વે રાજ્યપાલ ઓ. પી. કોહલીનાં હસ્તે રૂા. 487 લાખનાં ખર્ચે નવનિર્મીત બાગાયત ભવનનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ઇ-લર્નિંગ લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ, રીડીંગ રૂમનો સમાવેશ થાય છે. જેમાં કલેકટર આલોકકુમાર ઉપસ્થિત રહ્યા હતા.