વેરાવળમાં બે શખ્સો ૩.૭પ લાખનું સોનું સેરવી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સીસી ટીવી ફૂટેજનાં આધારે પોલીસ તપાસ : જૂનાગઢમાં પણ એજ રીતે ચોરી થયાની આશંકા

વેરાવળમાં આજે સવારે સોની બજારનાં હવેલી ચોક વિસ્તારમાં એક જવેલર્સની દુકાને બે અજાણ્યા શખ્સો ગ્રાહક બની આવ્યા હતા. અને દુકાન માલીકની નજર ચૂકવી ગલ્લામાં રહેલો સોનાનો કાચો માલ ૧પ૦ ગ્રામ કિ.રૂા.૩,૭પ,૦૦૦ લઇ ગયાનો બનાવ બન્યો હતો. આ બનાવની પોલીસમાં જાણ થતાં એસપી સહિ‌તનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને દુકાનમાં રહેલા સીસી ટીવી ફુટેજનાં આધારે નાસી છૂટેલા અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જ્યારે વેરાવળમાં બનાવને અંજામ આપી નાસી છૂટેલા શખ્સોએ જૂનાગઢ ખાતે પણ આવી જ રીતે મોટી રકમનાં દાગીનાની ઉઠાંતરી કરી પલાયન થઇ ગયાનું જાણવા મળી રહ્યું છે.

વેરાવળ ખાતે બનેલા આ બનાવની પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, વેરાવળનાં ડાભોર રોડ ઉપર આવેલી શ્રીપાલ ચોકડી પાસે રહેતા સોની નંદકિશોર સેવંતીલાલ ધોળકીયાની સોની બજારમાં આવેલી મહાલક્ષ્મી મંદિરની બાજુમાં પૂજન જવેલર્સ નામની દુકાને આજે સવારે સવા દસ વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સોમાં એક ઉ.વ. આશરે ૪૦ તથા બીજો ૩૦ વર્ષનો ગ્રાહક બની આવ્યા હતા. અને દુકાનદાર નંદકિશોરને માતાજીનો ચાંદલો ખરીદવાનો છે. અને તે ચાંદલો દુકાનમાં રહેલા અન્ય સોના-ચાંદીના દાગીનાને અડાડીને આપવાનું જણાવતાં નંદકિશોરભાઇ દુકાનમાં રહેલી અન્ય સોનાની વસ્તુઓને અડાડી રહ્યા હતા. એ વખતે દુકાનનાં ગલ્લામાં પડેલા કાચા માલનું સોનાનું અંદાજે ૧પ૦ ગ્રામનું પડીકું જોઇ લીધું હતું. અને આ પડીકું દુકાનદારની નજર ચૂકવી બંને અજાણ્યા શખ્સો પૈકીનાં એકે ઉઠાવી લઇ દુકાનમાંથી બહાર નિકળી લાલ કલરની નંબર પ્લેટ વગરની પલ્સર મોટર સાયકલમાં નાસી છૂટયા હતા.

દુકાનદારને આ અંગેની જાણ થતાં દુકાનની બહાર નિકળી પાછળ દોટ મૂકી હતી. પરંતુ બંને મોટર સાયકલ ઉપર પલાયન થઇ ગયા હતા. ઉપરોકત બનાવની જાણ પોલીસમાં કરાતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસઓજીનાં પીઆઇ મનિષ ઠાકર, એલસીબી, ડી-સ્ટાફ, ડીવાયએસપી રાઠવા, સીટી પીઆઇ લીંબડ સહિ‌તનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. અને દુકાનદાર પાસેથી બનાવની વિગતો મેળવી દુકાનનાં સીસી ટીવી કેમેરાના ફૂટેજનાં આધારે બંનેને ઝડપી લેવા નાકાબંધી કરી છે. આ અંગે વેપારીની ફરિયાદનાં આધારે અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ સોનાનો છોલ ૧પ૦ ગ્રામ કિં.રૂા.૩,૭પ,૦૦૦ નું નજર ચૂકવી ઉઠાવી ગયા અંગે ગુનો દાખલ કરીતપાસ હાથ ધરી છે.

દરમિયાન વેરાવળમાં સોની વેપારીને ત્યાં કળા કરી ગયેલા બંને ઇસમોએ ગણતરીનાં કલાકોમાં જ જૂનાગઢ ખાતે પહોંચી ત્યાં પણ આવી જ પદ્ધતિથી એક વેપારીને ત્યાંથી મોટી રકમની મત્તા નજર ચૂકવી ઉઠાવી ગયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બંનેએ અગાઉ પણ મોરબી ખાતેનાં આવા જ પ્રકારનો ગુનો આચર્યો હોવાનું અને તેઓ છારા ગેંગનાં સભ્યો હોવાની શકયતા જિલ્લા પોલીસ અધિક્ષક ચુડાસમાએ દર્શાવી છે.

વેરાવળ શહેરમાં નજર ચૂકવીને અથવા તો ભોળવીને રોકડ તેમજ દાગીના ઉઠાવી જવાના કિસ્સાઓ બનેલ છે જેમાં એક તબક્કે લોકોની લાપરવાહી પણ એક મોટું કારણ બહાર આવ્યું છે.આજનાં કિસ્સામાં પણ ભોગ બનનાર સોની વેપારીએ ગઠીયાઓની વાતમાં ભોળવાઇ જઇ પોતાની દુકાનનાં ગલ્લામાં આ અજાણ્યા ઇસમોને હાથ નાંખવા દીધો હતો. જ્યારે છાશવારે બનતા આવા બનાવો સમયે પોલીસ તંત્ર પર માછલા ધોવા કરતા વેપારીઓ અને પ્રજાજનોએ પણ લાપરવાહી અને બેદરકારી છોડી સજાગતા દાખવવી જરૂરી બની રહે છે.