તત્ત્કાલિન મ્યુ. કમિશ્નર હાજર થયા, અટક બાદ જામીન પર છૂટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોનાર્ક પ્રકરણમાં બેદરકારી બદલ ગુનામાંનામ ઉમેરાયું હતું

શહેરનાં રાયજીનગરમાં આવેલા મોનાર્ક બિલ્ડીંગ ધરાશાયી થવાનાં પ્રકરણમાં એલસીબીએ જે તે વખતે પૂર્વ ટીપીઓ, કાર્યપાલક ઇજનેર અને મ્યુ. કમિશ્નરને સહ આરોપી તરીકે જોડયા હતા. એ પૈકી પૂર્વ ટીપીઓ અને કાર્યપાલક ઇજનેર પોલીસ સમક્ષ રજૂ થયા હતા. જ્યારે આજે તત્ત્કાલિન મ્યુ. કમિશ્નર આર. એમ. શર્મા પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેમની અટક કરી હતી. તેઓએ આગોતરા જામીન મળ્યા હોઇ તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

મોનાર્ક પ્રકરણમાં મનપાનાં જેતે વખતનાં અધિકારીઓએ ફરજમાં બેદરકારી દાખવી બિલ્ડીંગ બાંધકામની મંજૂરી અધૂરા દસ્તાવેજોનાં આધારે આપી હોઇ આ બાબતમાં તેઓની સંડોવણી ફલિત થઇ હતી. આથી એસપી સૌરભ તોલંબિયાની સુચનાથી એલસીબી પીએસઆઇ મહેન્દ્રસિંહ ગોહિ‌લે થોડા સમય પહેલાં પૂર્વ કમિશ્નર અને હાલ નિવૃત્ત જીવન ગાળતા આર. એમ. શર્મા, પૂર્વ ટીપીઓ અને હાલ નિવૃત્ત હંસલ શુક્લ, કાર્યપાલક ઇજનેર લલિત વાઢેર તેમજ સાઇટ સુપરવાઇઝર મિલન સાંગાણીને સહઆરોપી તરીકે જોડયા હતા.

થોડા સમય પહેલાં મ્યુ. કમિશ્નર સિવાયનાં તમામે આગોતરા જામીન મેળવ્યા હતા. અને પોલીસ સમક્ષ રજૂ થયા હતા. ત્યારે તત્ત્કાલિન મ્યુ. કમિશ્નર આર. એમ. શર્મા અમેરિકા હોઇ તેઓએ ભારત આવી આગોતરા જામીન મેળવ્યા હતા. અને આજે તેઓ એલસીબી સમક્ષ હાજર થતાં પીએસઆઇ ગોહિ‌લે તેમની અટક કરી હતી. બાદમાં તેઓનો જામીન પર છૂટકારો થયો હતો. અત્યાર સુધીમાં આ પ્રકરણમાં ૧પ લોકોની અટક થઇ છે. બીજી તરફ હવે આ કેસની ચાર્જશીટ હવે રજૂ થશે.