વેરાવળમાં ફીશરીઝનો હોલ ધડાકાભેર તૂટયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઘાત ટળી : એક તરફ માછીમારો બોટમાંથી આવેલી મચ્છીનાં વજન સહિ‌તની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યાં જ બન્યો બનાવ
- ભીડીયા બંદર વિસ્તારમાં આવેલા જર્જરીત આ ઓકશન હોલને તોડી પાડી નવો બનાવવા કેન્દ્ર સરકારે નવ કરોડ જેવી ગ્રાન્ટ ફાળવી છતાં આ સ્થિતિ


વેરાવળનાં ભીડીયા બંદર પર અઢી દાયકા જૂના બિસ્માર ફીશ ઓકશન હોલનો થોડો ભાગ આજે સવારે ધડાકાભેર તૂટી પડતા અહી રહેલા માછીમાર વ્યવસાર્થીઓમાં દોડધામ મચી હતી. જો કે, સદ્નસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન થતા રાહતની લાગણી પણ પ્રસરી છે જો કે, બે વર્ષ પૂર્વે સાડા નવ કરોડ જેવી માતબર રકમ કેન્દ્ર સરકારે ફીશરીઝ વિભાગને ફાળવી હોવા છતા સ્થાનિક તંત્રની બેદરકારી અને આળસુવૃત્તિથી આ ઓકશન હોલને તોડી નવો બનાવવાનું કામ ન કરતા આજે કરોડોનું હુડીયામણ રળતા મત્સ્યોદ્યોગમાં માછીમારો આ અઢી દાયકા જૂના જર્જરીત બિલ્ડીંગમાં જાનનાં જોખમે વ્યવસાય કરી રહ્યાં છે તેનો પણ રોષ છવાયો છે.

આ ઘટના પછી માછીમાર સમાજનાં તેમજ બોટ એસોસીએશનનાં હોદ્દેદારો સ્થળ પર પહોચી ગયા હતા. વેરાવળ બંદરનાં ભીડીયા વિસ્તારમાં સાલ ૧૯૮૬માં (અઢી દાયકા) પુર્વે ત્રણ ફીશ ઓકશન હોલ બનાવવામાં આવેલ જેમાં દરીયામાંથી માછીમારી કરી આવતા બોટ માલિકો મચ્છીનું વજન તેમજ નિકાસ માટેની કામગીરી કરવામાં આવતી અને આ પૈકીનાં ફીશ ઓકશન હોલ નં.૩ નો એક તરફનો ભાગ આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે એકાએક ધડાકાભેર ધરાશાયી થયો હતો અને આ સમયે આ ઓકશન હોલમાં કામગીરી કરતા માછીમારોમાં નાસભાગ મચી જવા પામેલ હતી.

આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ફિશરીઝ વિભાગનાં અધિકારીઓ માયલી, શુક્લા તેમજ એક્ષપોર્ટ એસો.નાં પ્રમુખ લખમભાઇ ભેંસલા, બોટ એસો.નાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલ સહિ‌તના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવેલ હતા. અને કાટમાળને હટાવવાની કામગીરી યુદ્ધનાં ધોરણે હાથ ધરેલ હતી. આ બનાવમાં સદનસીબે કોઇ મોટી જાનહાની થયેલ ન હતી અને બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થતા પ્રાથમિક સારવાર અપાયેલ હતી જ્યારે આ ફીશ ઓકશન હોલનાં કાટમાળ પડતા બેથી ત્રણ મોટરસાયકલ અને છકડોરીક્ષાનો બુકડો બોલી ગયેલ હતો.

આ ઘટના અંગે બોટ એસો.નાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ હતુ કે, બંદરમાં ફીશરીઝ વિભાગની બેદરકારીનાં કારણે પ્રાથમિક સુવિધાઓ માટે માછીમારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આજે ઘટના બની છે તે ફીશ ઓકશન હોલ ઘણા વર્ષોથી જર્જરીત સ્થિતીમાં ફેરવાયેલ અને અવાર-નવાર સ્થાનીક તથા ઉચ્ચ કક્ષાએ જવાબદાર તંત્રને લેખિત-મૌખિક રજૂઆતો કરાયેલ અને ચાર વર્ષે પુર્વે એમ.પી.ડી.ઇ.એ. સંસ્થાના ચેરમેન દ્વારા ઇન્સપેકશન મુલાકાતમાં આ ઓકશન હોલને નવેસરથી યુરોપીયન કમીશનનો નિયમો મુજબ બનાવવા સરકારમાં રીપોર્ટ કરાતા બે વર્ષ પૂર્વે કરોડોની રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને ફાળવી દેવામાં આવેલ છે.

પરંતુ કોઇ કારણોસર ગ્રાન્ટ હોવા છતાં કામગીરી આજદીન સુધી હાથ ધરવામાં આવેલ નથી અને માછીમારોને આવા જર્જરીત બાંધકામો નીચે જાનના જોખમે રોજીરોટી માટે કામગીરી કરવી પડી રહી છે. દરમિયાન અહીં આવેલા અગ્રણીઓએ પણ તંત્ર આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ વ્યકત કરી હતી.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....