પાક.જેલમાંથી મુકત ૪પ ભારતીય માછીમારો મંગળવારે માદરે વતનમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોડીનાર, ઊના, દીવ અને મહારાષ્ટ્રનાં ૪પ માછીમારો ટ્રેન મારફત સાંજે વેરાવળ પહોંચશે

પાક. જેલમાંથી મુકત ૪પ ભારતીય માછીમારો ટ્રેન મારફત મંગળવારે સાંજે વેરાવળ આવી પહોંચશે. જેમાં કોડીનાર, ઊના, દીવ અને મહારાષ્ટ્રનાં માછીમારોનો સમાવેશ થાય છે. આ માછીમારો માદરે વતન પરત આવી રહયાં હોય તેમનાં પરિવારજનોમાં ખુશીની લહેર છવાઇ છે.

પાકિસ્તાન સરકારે જેલમાં બંદીવાન ૪પ ભારતીય માછીમારોને મુકત કરવાનો નિર્ણય કર્યા બાદ ગઇકાલે વાઘા બોર્ડરે પાક. સત્તાવાળાઓએ આ માછીમારોનો કબજો ભારતીય અધિકારીઓને સોંપી દીધો હતો. ફિશરીઝ ખાતાના ઇન્ચાર્જ આસીસ્ટન્ટ ડાયરેકટર મોહિ‌લી, કે.કે. મસાણી સહિ‌તનો સ્ટાફ વાઘા બોર્ડરે પહોંચી ગયો હતો. આ ૪પ માછીમારો ટ્રેન મારફત તા.૨૮ને મંગળવારે સાંજનાં અરસામાં વેરાવળ પહોંચનાર હોવાનું જાણવા મળે છે.

આ મુકત થયેલા માછીમારોમાં કોડીનારનાં ૧૩, ઊનાનાં ૧૬, દીવનાં ૯ અને મહારાષ્ટ્રનાં ૭ માછીમારો હોવાનું ફીશરીઝનાં અધિકારી રાડાએ જણાવ્યું હતું. દીવનાં ૯ માછીમારો પૈકી ૮ માછીમારો સાઉદવાડી વિસ્તારનાં હોવાથી તેમનાં પરિવારજનોમાં તહેવારો જેવો ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. જયારે પરિવારજનો પણ આગમનની ઘડીઓ ગણી આતુરતાથી રાહ જોઇ રહયાં છે.