જૂનાગઢમાં શોર્ટ સકીર્ટથી ઘરમાં આગ ભભૂકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘર વખરી બળીને ખાખ : લાખોનું નુકસાન

જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા આર. કે. એપાર્ટમેન્ટમાં બપોરનાં સમયે ટીવી ચાલુ હતું ત્યારે શોર્ટ સકીર્ટ થતાં ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગમાં ઘર વખરી બળીને ખાખ થઇ જતા લાખોનુ નુકસાન થયુ હતુ. આ ઘટનાને લઇને લોકોનાં ટોળે ટોળાં એકત્ર થઇ ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળ્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ, જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા આર . કે. એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઇ હરકાંતભાઇ પંડયાનાં ઘરમાં આજે બપોરનાં શોર્ટ સકીર્ટ થતા આગ લાગી હતી. બપોરનાં સમયે ધર્મેશભાઇનાં પત્ની ઘેર એકલા હતા અને ટીવી ચાલુ હતું. જ્યારે તેમનાં પત્ની રસોડામાં રસોઇ બનાવી રહ્યા હતા. એ દરમીયાન અચાનક ટીવીમાં શોર્ટ સકીર્ટ થતાં આગ લાગી હતી. આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગ ઘરમાં ફરી વળી હતી. આ અંગે પોલીસ અને ફાયર સ્ટેશનમાં જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને લઇને રસ્તા પર લોકોનાં ટોળા એકત્રીત થઇ જતા ટ્રાફિક સર્જા‍યો હતો. તેમજ આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમતનાં પગલે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં લાખોનું નુકસાન થયું હતું. આ અંગે ધર્મેશભાઇ પંડયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક કલાકમાં પાણીની બે ગાડી ખાલી થઇ

જવાહર રોડ પર આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. ફાયર વિભાગનાં કમલેશ પુરોહિ‌તે જણાવ્યું હતું કે, આગ પર કાબુ મેળવવા માટે એક કલાકનો સમય લાગ્યો હતો. પાણીની બે ગાડી ખાલી કરી હતી.

એફએસએલની મદદથી તપાસ શરુ

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ પર ઘરમાં આગ લાગતા ઘર વખરી બળી ગઇ હતી. આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.