અગતરાય યુકો બેંકની એ આગમાં 45 લાખ ખાક!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તર્કવિતર્ક| બેંકમાં આગની ઘટનાએ સર્જયા ભેદભરમ : 14 લાખનું ફર્નિચર પણ ભસ્મીભૂત: બેંકના ઉચ્ચઅધિકારીઓ દોડી આવ્યા
- દિવસભર બેંકમાં અધિકારીના કાફલાએ કર્યો તપાસનો ધમધમાટ, બેંકને કરી સીલ : તપાસમાં પોલીસની એન્ટ્રી તો બાકી

કેશોદ: કેશોદનાં અગતરાય ગામની યુકો બેંકની શાખામાં સોમવારનાં બપોરનાં અરસામાં ભભુકેલી આગથી 45 લાખની રોકડ રકમ બળીને ખાક થયાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત 14 લાખનું ફર્નીચર પણ બળીને ભસ્મીભુત થયું હતું. આજે બેંકનાં ઉચ્ચ અધિકારીઓનાં કાફલાએ દોડી આવી દિવસભર તપાસમાં ગુંથાયેલો રહયો હતો. હાલ તો શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન થઇ રહયું છે.

કેશોદનાં અગતરાય ગામની યુકો બેંકની શાખામાં સોમવારે બપોરનાં 4.30 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભુકી ઉઠતા કેશોદ પાલિકાનાં ફાયર બ્રિગેડનાં સ્ટાફે ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ગઇકાલે અંદાજે 4 લાખની રોકડ બળી ગયાનું અનુમાન થયું હતું. દરમિયાન આ આગનાં બનાવનાં પગલે આજે બેંકનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો અગતરાય દોડી આવેલ અને દિવસભર બેંકનાં હિસાબ અને ફર્નીચરની વિગતો એકઠી કરી હતી.

આ આગ કેશીયરની કેબીનમાંથી શરૂ થયેલ અને આગથી 45 લાખની રોકડ રકમ બળી ગઇ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. જેમાંથી પાંચ લાખ જેટલી રોકડ રકમ અડધી બળેલી હાલતમાં મળી આવી છે. કેશીયરની કેબીનમાંથી શરૂ થયેલ આગ સમગ્ર વિભાગમાં પ્રસરી જતાં ફર્નીચર, કોમ્પ્યુટરો, નોટ ગણવાનું મશીન, પંખા સહિત તમામ વસ્તુઓ બળીને ભસ્મીભુત બની હતી. જેની કિંમત 14 લાખ રૂપિયા જેવી થવા જાય છે. આમ બેંકમાં આગને લીધે કુલ 59 લાખની માલમત્તાને નુકસાન થયું છે. હાલ તો આગ લાગવાનું કારણ શોટસર્કિટ મનાય રહયું છે. આ ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

આ ઘટનામાં રોકડ બચાવવામાં કેશીયર ગંભીર રીતે દાઝયો

બેંકની કેશ કેબીનમાં પ્રથમ આગ લાગતા કેશીયર વાઘેલાભાઇ રોકડ રકમને બચાવવામાં ગંભીર રીતે દાઝી ગયા હતાં અને તેમને ગઇકાલે રાજકોટ ખસેડાયા હતા અને હાલ સારવાર હેઠળ છે.

બેંકની શાખામાં આવડી મોટી રકમનું ભરણું પણ સવાલોના ઘેરામાં

અગતરાયની વસ્તી 7 હજાર આસપાસ છે અને સોમવારે આગની ઘટનામાં પ્રાથમિક તબક્કે ચાર લાખ અને પછી બીજા દિવસે અધિકારીઓના કાફલો આવ્યા બાદ 45 લાખ બળીને ભસ્મ થઇ ગયાનું બહાર અાવતા આવડી મોટી રકમનું ભરણુ પણ સવાલોના ઘેરામાં આવ્યું છે. જેમાં કેટલાક નિષ્ણાંતના જાણકાર સૂત્રો કહે છે કે, બેંકમાં ભરણાની લીમીટ હોય છે જે િરઝર્વ બેંકના ગાઇડલાઇન મુજબ હોય છે. સોમવાર હોય અને ભરણુ આવ્યુ હોય તો નજીકની એસબીઆઇ બ્રાંચમાં બપોના બે થી ત્રણના અરસામાં રકમ ભરાઇ જતી હોય પણ અહીં તો 4-30 વાગ્યે બનેલી ઘટનામાં 45 લાખની રોકડ બળી ગયાનું બહાર આવ્યું છે.