યુવાન પાસે ડમી ફોજદારે ૩૦,૦૦૦નું ચીટીંગ કર્યુ : અધિકારીઓ ચોંક્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઊના - કોડીનાર રોડ પર દારૂનાં જથ્થામાં ઝડપાયેલ યુવાનનાં પત્ની અને ભાણેજને ફોન કરી પૈસાની માંગણી કરી તપાસ ટુંકાવી નાંખવા લાલચ આપી

ઊના - કોડીનાર રોડ પરથી બે દિવસ પહેલા આરઆરસેલે દારૂ - બિયરનો જથ્થો ઝડપી લઇ ધોરાજીનાં ટ્રક ચાલક મુકેશ ધનજી પરમારને અટકમાં લઇ કોર્ટમાંથી ૧૮ માર્ચ સુધીનાં રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે. દરમિયાન મુકેશની પત્ની ઇલાબેનને મો.નં.૯૬૮૭૧૯૯૪૧૦ પરથી ફોન આવેલ કે હું આરઆરસેલનો અધિકારી બોલું છું અને તપાસ ટૂંકાવી હોય તો વહિ‌વટ સમજવો પડશે. ઇલાબેને પોતે બીમાર હોવાનું કહી ઊનામાં રહેતાં બહેનનાં પુત્ર જયેશ સાથે વાત કરવાનું જણાવતાં જયેશનાં મો.નં. ૯૦૩૩૨૧૬૮પ૦ પર ફોન કરી વહિ‌વટની વાત કરતાં પરિવારજનો ગભરાઇ ગયેલ અને મુકેશને માર ન પડે એ માટે પ૦ હજાર આપવાની તૈયારી બતાવેલ.

આ રકમ ભેગી કરવા જયેશે તેના સગા જીવાભાઇ ભવાનભાઇ વાઢેરને જાણ કરતાં તેમણે પણ ડમી ફોજદાર સાથે વાત કરતાં ઉશ્કેરાઇ જઇ મનફાવે તેવી ગાળો આપી પૈસા નહીં આપો તો મુકેશને માર મારી તપાસ લાંબી ચલાવવાની ધમકી આપી હતી. અંતે પ્રથમ ૩૦ હજાર અને બાકીનાં ૨૦ હજાર મુકેશ છુટી ગયા પછી આપવાનું જણાવતાં ડમી ફોજદારે પ્રથમ જૂનાગઢ આંગડીયા પેઢીમાં મોકલવાનું કહેલ ત્યારબાદ અમદાવાદ આંગડીયા પેઢીમાં નાંખવા સુચના આપેલ.

સાંજનાં સમયે ઊનાની આંગડીયા પેઢી બંધ થઇ જતાં જયેશ અને જીવાભાઇએ પેઢીનાં સંચાલકની ડમી ફોજદાર સાથે વાત કરાવતાં તેની પર પણ રોફ જમાવી પૈસા લઇ તાકિદે અમદાવાદ ઓફિસે મોકલી આપવા ધમકી આપી હતી. બાદમાં આંગડીયા મારફત આ પૈસા મેળવી લીધા હતાં. બાદમાં જીવાભાઇ અને જયેશને શંકાની ગંધ આવતાં કોડીનાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેતરાયા હોવાની પ્રતિતી થઇ હતી. આ હકિકતથી અધિકારી પણ ચોંકી ઉઠયા હતાં.

અમદાવાદ આંગડીયા પેઢીનાં સીસીટીવીનાં ફૂટેજ મંગાવ્યાં
જીવાભાઇ અને જયેશે કોડીનાર પોલીસનો સંપર્ક કરતાં તપાસ અંગે કોઇ અધિકારીએ ફોન કરેલ નથી અને પીએસઆઇ વાઘેલાએ આ બનાવને ગંભીર ગણાવ્યો હતો. આ શખ્સ સામે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. ઊના પીઆઇ કે.એલ. વિઝુંડાને રજૂઆત કરતાં તેમણે અમદાવાદ આંગડીયા પેઢીમાંથી સીસીટીવી ફૂટેજ મંગાવવા જણાવ્યું છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.