કેશોદમાં ગટરનાં કામથી : રસ્તા, પાણી બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તંત્ર ચૂપ| વિકાસ જરૂરી પણ મંથર ગતિએ ચાલતા કામથી રહિશો બાનમાં
- તંત્રનાં અધિકારીઓ કોન્ટ્રાકટરનાં ભરોસે
- હિતરક્ષક સમિતીનું આંદોલનનું અલ્ટીમેટમ

કેશોદ: કેશોદમાં ભુગર્ભ ગટરનાં મંથરગતિએ અને આડેધડ ચાલી રહેલા કામથી રહીશો ઘરની બહાર નિકળી શકતા નથી અને આ ગંભીર મુદ્દે તંત્ર પણ સાવ મૌન બન્યું હોય લોકોમાં રોષ છવાયો છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ભૂગર્ભ ગટરનાં કામને કારણે રહિશો બાનમાં આવીગયા છે. રહીશોને પોતાના ઘરની બહાર નિકળવું હોય તો પણ નિકળી શકતા નથી. આડેધડ ચાલતા ખોદકામને કારણે સોસાયટી વિસ્તારનાં તમામ રસ્તાઓ બંધ થઇ ગયેલા છે. સોસાયટીઓમાં ખોદકામથી પાણીની પાઇપલાઇનો તુટી જતાં પાણી વિતરણ વ્યવસ્થા પણ ઠપ્પ થઇ ગઇ છે.

પાણીની પાઇપલાઇનો રીપેર કર્યા વગર માટી નાંખી દેવામાં આવતા રીપેરીંગમાં વધુ સમય લાગે છે. નિયત કરવામાં આવેલી એજન્સીના જવાબદાર અધિકારીઓ કે તંત્રના અધિકારીઓ સ્થળ પર ફરકતા નથી. રહિશો વગર વાંકે પરેશાની ભોગવી રહયા છે. અમુક સોસાયટી વિસ્તારોમાં ખાળીયા ગટરો આવેલી છે જેમાં માટીના ઢગલા ભરાઇ જતાં તેમજ રોડ ક્રોસ ગટરના પાઇપો તુટી જવાથી ગટરનું પાણી જાહેરમાં ઢોળાતા રોગચાળો ફેલાવવાની દહેશત વર્તાઇ રહી છે.

ગટરના કામ કરતી એજન્સી કરી આપવાની શરતે કામ કરે છે પરંતુ એમને એમ રાખી દેતું હોય રહિશોએ સ્વખર્ચે રસ્તાઓની મરામત કરવી પડી રહી છે. ગટરની જવાબદારીવાળુ કામ કુશળ કારીગરો અને કુશળ સુપરવાઇઝરો દ્વારા કામ કરાવવામાં ન આવતુ હોય સમસ્યાઓ સર્જાઇ રહી છે. તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની સાથે ગટરનું પાણી ભળી જશે તો ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત વર્તાઇ રહી છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઇ પંડયાએ જવાબદાર વહીવટી તંત્રને સત્વરે ગટરના કામમાં રહેતી ક્ષતિઓ દુર કરવા લેખિતમાં માંગ કરવા છતાં તંત્રનાં પેટનું પાણી હલતુ ન હોય આંદોલન કરવાની ચિમકી આપી છે.