કોડીનાર પાલિકાનાં તમામ કોંગી ઉમેદવારોને પોલીસ રક્ષણ આપો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉમેદવારોને ધમકી અને ખોટી ફરિયાદ અંગે તાલુકા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતીએ આપ્યું આવેદનપત્ર : રાજ્યકક્ષાનાં ગૃહમંત્રીને કરી લેખિત રજૂઆત

કોડીનાર નગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. બંને મુખ્ય રાજકીય પક્ષો પોતપોતાનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઇકાલે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો સામે પોતપોતાનાં હરીફ ઉમેદવારને ધમકી આપ્યાની ફરિયાદો નોંધાઇ હતી. જેને પગલે આજે તાલુકા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતીએ રાજ્યનાં ગૃહમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરાઇ છે.

કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અંગે કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, કોંગ્રેસે તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. પરંતુ જૂનાગઢ જિલ્લાનાં ભાજપનાં સાંસદ દીનુ બોઘા સોલંકી અને ભાજપનાં પદાધિકારીઓ દ્વારા કોંગ્રેસનાં વોર્ડનાં ઉમેદવારોને ધાક ધમકી અપાઇ રહી છે. અને તેમની તરફેણમાં બળજબરીપૂર્વક સોગંદનામા કરાવી રહ્યા છે. વોર્ડ નં. ૯ નાં કોંગ્રેસનાં અનુસુચિતજાતિનાં મહિલા ઉમેદવાર પાસે પૂર્વ ધારાસભ્ય ધીરસીંહ બારડ, ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ માનસીંગ ડોડીયા, યુંવા અગ્રણી મનોજ મોરી, વગેરે ૬ આગેવાનો સામે કોડીનાર પોલીસ ઉપર રાજકીય દબાણ લાવી ખોટી ફરિયાદ દાખલ કરાવી છે.

જ્યારે કોડીનાર નગરપાલિકાનાં વોર્ડ નં. ૨ નાં કોંગ્રેસનાં ઉમેદવારોને સાંસદ દીનુ બોઘા સોલંકીએ આપેલી ધમકીની ફરિયાદ તા. ૩૧ જાન્યુ. નાં રોજ આપેલી હોવા છત્તાં આજ સુધી તેની સામે કોઇજ કાર્યવાહી કરાઇ નથી. આમ કોડીનાર તાલુકામાં કોઇપણ જાતનો કાયદો વ્યવસ્થા કામ કરતો નથી.

તા. ૧૦ ફેબ્રુ.એ કોડીનાર પાલિકાની ચૂંટણીનું મતદાન હોવાથી કાયદો વ્યવસ્થા જાળવવા તટસ્થ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે અને કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને સુરક્ષા પૂરી પાડવામાં આવે. સાથોસાથ તા. ૩ ફેબ્રુ.એ કોડીનાર પોલીસમાં કોંગ્રેસનાં આગેવાનો સામે નોંધાવેલી ખોટી ફરિયાદોની ઉચ્ચ અધિકારી પાસે તપાસ કરાવી તે રદ કરવાની માંગ પણ કરાઇ છે.

- આજે કલેક્ટરને રજૂઆત

જૂનાગઢ : આજે મહિલા કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ દ્વારા અલ્પાબેન ઉનડકટની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી કોડીનાર પીઆઇની બદલીની માંગ કરાશે.