ચેકડેમમાં મહિ‌લાનો મગર સાથે જંગ : બે વખત પગ ઝટકાવી જીવ બચાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
સુખપુર ગામે ચેકડેમમાં મહિ‌લાનો મગર સાથે જંગ : બે વખત પગ ઝટકાવી જીવ બચાવ્યો
જૂનાગઢ: 'હું આજે સવારે ચેકડેમમાં ન્હાવા જતાં એ વખતે અચાનકજ મગરે ગોઠણથી મારો પગ મોંમાં પકડી લીધો. મેં હિંમત એકઠી કરી પગને સામો ખેંચ્યો. મગર મને પાણીમાં ખેંચતી હતી. અને હું મારી જાતને બચાવવા મારો પગ ખેંચતી હતી. આખરે ચેકડેમની સાઇડો મારા હાથમાં આવી ગઇ. જેનો લાગ લઇ મેં ઝાટકો માર્યો. જોકે, મગર મારો પગ છોડવા માંગતી નહોતી. પરંતુ મેં બીજી વખત ઝાટકો માર્યો એટલે તેણે મારો પગ છોડી દીધો. અને તે પાણીમાં ચાલી ગઇ. અને હું બહાર આવી ગઇ. આમ છત્તાં તેણે ગોઠણમાંથી માંસનો કટકો તો તોડી જ લીધો.’ રૂંવાડાં ખડા કરી દેતી આવી ઘટના આજે સાચોસાચ જૂનાગઢ તાલુકાનાં સુખપુર ગામે બની હતી. આ ઘટના જેની સાથે બની એ લક્ષ્મીબેન વિનુભાઇ બેરીયા બાજુનાં દાત્રાણા ગામે સાસરિયે રહે. સાતમ-આઠમનાં તહેવારમાં તેઓ પોતાને પિયેર સુખપુર ગામે આવ્યા છે.
આજે સવારે ૭ વાગ્યે આ ઘટના બની ત્યારે લક્ષ્મીબેન ચેકડેમનાં કાંઠે હતા. તેઓ કહે છે, છેલ્લા ૧પ વર્ષથી અહીં ચેકડેમ છે. અને કદાચ તેમાં મગર પણ રહેતી હશે. પરંતુ આવું આજે પ્રથમજ વખત બન્યું છે. મગરના મોંમાંથી પગ છોડાવીને તુરત રાડ નાંખી એટલે મારો ભાઇ દોડી આવ્યો. અને મને ત્યાંથી ઘરમાં લઇ આવ્યા બાદ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં પહોંચ્યા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપી દેવાઇ છે. આ ઘટના જ્યાં બની એ ચેકડેમ મારા માવતરની વાડીને અડીને જ આવેલો છે. જેને સહુ 'દાત્રાણાવાળો ઘોઘમ’ કહે છે. વાડીમાંજ મારા પિતાનું ઘર આવેલું છે. લક્ષ્મીબેન વધુમાં કહે છે, જો ચેકડેમની સાઇડોનો લાગ ન મળ્યો હોત તો મગર પાણીમાં ખેંચી જ ગઇ હોત. અને તો હું બચીજ ન શકત. જોકે, મગરે પગ પકડયો ત્યારે મેં હિંમત દાખવી પાણીમાંથી બહાર ખુલ્લામાં આવવાની કોશીષ કરી ખરી. પરંતુ મગર એમ છોડે એવી નહોતી. વળી તે હતી પણ મોટી અને લાંબી. જો હું હિંમત હારી ગઇ હોત તો તે મને છોડવાની જ નહોતી.