જૂનાગઢ: પ્રેમાંધ પિતરાઇ ભાઇ-બહેને વખ ઘોળ્યું : બન્ને સારવારમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધંધુસરમાં યુવતીના લગ્ન લખાયા ત્યારે સર્જાઈ કરુણાંતિકા

જૂનાગઢ: જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસરમાં આજે સવારે એક યુવતીના લગ્ન લખાયા બાદ તે લગ્ન સાસરે પહોંચે એ પહેલાં જ યુવતીએ તેના મામાના દીકરા સાથે ઘર પાસે આવેલા વોંકળામાં ઝેરી દવા પી વખ ઘોળ્યું હતું. યુવતીની માતાને શંકા જતાં તે પાછળ ગઇ હતી. ઘટનાની જાણ થતાં બન્નેને સારવાર માટે ખસેડાયા હતા.
જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા કોળી કાનાભાઇ બારૈયાની પુત્રી આરતી (ઉ.18)ના લગ્ન મોટીમારડ ગામે નક્કી કરવામાં આવ્યા છે. આગામી સોમવારે લગ્ન હોવાથી પરિવારમાં આનંદનો માહોલ હતો. આજે સવારે લગ્ન લખાયા બાદ ભાઇ બહેનના લગ્ન લઇને મોટીમારડ જવા રવાના થયો હતો. એ દરમિયાન યુવતી આરતી કુદરતી હાજતે જવાનું કહી ઘેરથી નિકળી હતી.

ત્યારે તેના મામાનો દીકરો વિરમ વલ્લભભાઇ લુંદરિયા (ઉ.19) તેની પાછળ ઘર પાસે આવેલા વોંકળામાં ગયો હતો. જ્યાં બન્ને પ્રેમી પંખીડાંએ એકસાથે ઝેર પી લીધું હતું. યુવતીને ઘેર પરત ન ફરી હોવાથી તેની માતા યુવતીની પાછળ જતાં યુવતીએ ઝેર પી લીધું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ યુવતી અને તેના પ્રેમીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પરિવારજનોના નિવેદનો લઇ કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું હતું કે, બન્નેને એક વર્ષથી પ્રેમ હતો અને યુવતીના લગ્ન નક્કી થતાં બન્નેએ ધ્રોખડમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.

પુત્રીના લગ્ન માટે બાપે ઉછીના નાણાં લીધા’તા

આરતીના પિતા કાનાભાઇને બીમારી હોવાથી હાથ-પગ ચાલી શકતા નથી. ત્યારે કાનાભાઇએ જણાવ્યું હતું કે, પુત્રી આરતીના લગ્ન માટે ઉછીનાપાછીના કરીને કરિયાવર કર્યો હતો. ત્યારે એ જ પુત્રીએ ગુરુવારે લગ્ન લખાયાની સાથે જ ઝેર ગટગટાવી લીધું હતું.