ટ્રેન હેઠળ ઝંપલાવનાર પ્રેમીયુગલ ઊનાના ભીમપરાનું રહેવાસી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મજૂરી કામે ગયેલી યુવતી રાત્રે પાછી ન ફરતા શોધખોળના અંતે આત્મહત્યા કર્યાનું ખુલ્યું
- આત્મહત્યા પાછળનું કારણ અકબંધ: પરિવારજનો હતપ્રભ

ઊના: ઊના પાસે ગુરુવારે ટ્રેન હેઠળ ઝંપલાવીને આત્મહત્યા કરનાર પ્રેમીયુગલ શહેરના ભીમપરા વિસ્તારના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. બંનેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને યુવક- યુવતીના આ પગલાંથી પરિવારજનો પણ હતપ્રભ બન્યા છે.

ઊનાના વરસીંગપુર ફાટક પાસે ગુરુવારે સમી સાંજે વેરાવળ - દેલવાડા લોકલ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવક-યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં મધરાતના બંનેની ઓળખ થવા પામી હતી. જેમાં નિલેશ જગુભાઇ ડાભી (ઉ.વ.20) અને પાયલ ભૂપતભાઇ સોલંકી (ઉ.વ.20) શહેરનાં ભીમપરા વિસ્તારમાં બાજુ બાજુમાં રહેતા હોય બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. બંનેએ આત્મઘાતી પગલું ભરી લેતાં પરિવારજનો આઘાતમાં હતપ્રભ બની ગયો છે. મૃતક યુવતીના પિતા ભૂપતભાઇએ પોલીસમાં જણાવ્યું હતું કે, પાયલ તેની માતા સાથે મજૂરી કામે ગઇ અને સાંજે ડોલ ધોવા માટે જઉ છું એમ કહી નીકળી ગઇ હતી અને રાત્રિના 9.30 કલાક સુધી ન આવતા તેની શોધખોળ કરી, પરંતુ ભાળ મળી ન હતી. ત્યારબાદ મધરાતના જાણ થતાં હોસ્પિટલે દોડી ગયા હતા.

મૃતક યુવાન પણ મજૂરીકામ કરતો હતો. બંનેની સગાઇ બાબતે વાતચીત પણ ચાલતી હતી એ પહેલા કયા કારણોસર આ પગલું ભરી લીધું તે સમજી શકાતું નથી. પોલીસે બંનેના પરિવારનાં નિવેદનો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમીયુગલની એક સાથે સ્મશાન યાત્રા નીકળી

યુવક અને યુવતીએ એક સાથે સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવનનો અંત લાવી દેતાં બંનેના પરિવારો આઘાતમાં ડૂબી ગયા હતા. બંનેની સ્મશાન યાત્રા એક સાથે નીકળી અને અંતિમ સંસ્કાર કરાયા હતા.