જમાઇએ સાસુ પાસે અઘટિત માંગણી કરતાં સાળાએ કરી ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જૂનાગઢનાં વધાવી ગામે જમાઇ સહિત ૪ શખ્સો સામે માર માર્યાનો ગુનો દાખલ

જમાઇએ વૃદ્ધ સાસુ પાસે અઘટિત માંગણી કર્યા બાદ સાળાએ બનેવી સામે ૪ શખ્સોએ પોતાને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. બનાવ જૂનાગઢ તાલુકાનાં વધાવી ગામે બન્યો હતો. જેમાં સાળા સહિતનાં શખ્સો ઇજાગ્રસ્ત બન્યા હતા.જ્યારે તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, વધાવીનાં વજુભાઇ પાલાભાઇનાં લગ્ન વંથલી તાલુકાનાં નાંદરખીનાં વાલીબેન વીરાભાઇ સાગઠિયાની પુત્રી સાથે થયા હતા. પરંતુ વજુએ વાલીબેન પાસે અવારનવાર અઘટિત માંગણી કરતાં વાલીબેન અને તેમનો પરિવાર વજુથી તંગ આવી ગયો હતો. આથી વાલીબેનનો પુત્ર કિરીટભાઇ વીરાભાઇ સાગઠીયા(ઉ.૪૨) પરિવારનાં અમુક લોકોને સાથે રાખી વજુને સમજાવવા વધાવી ગયા હતા.

પરંતુ વજુ લાજવાને બદલે ગાજ્યો હતો. તેણે પ્રવિણ મુળજીભાઇ (રે. આરબ ટિંબડી), અશ્વિનભાઇ ધનાભાઇ અને આશીષ વજુભાઇ(રે. બંને વધાવી) સાથે મળી કિરીટભાઇ અને તેમની સાથેનાં લોકોને ભૂંડી ગાળો દઇ ઢીકાપાટુ અને લોખંડનાં પાઇપથી માર માર્યો હતો.

આથી કિરીટભાઇ અને અન્ય લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે કિરીટે વજુ સામે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં એએસઆઇ ડી. વી. વ્યાસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે સ્થાનિક કક્ષાએ ચકચાર પણ મચાવી છે.