વેરાવળ પંથકમાં ફૂલેકાંનો વાયરો : યુવાન છૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇફોનના નામે અનેક લોકોને ટોપી પહેરાવી દીધી : વ્યાજે રૂપિયા આપતા તમામને નિશાન બનાવ્યા : પંથકમાં ભારે ચર્ચા
રાતો રાત રૂપિયા વાળા બનનાર માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેરાવળ પંથકનો એક યુવાન કરોડો રૂપિયાનો ફુલેકુ ફેરવી ફરાર થઇ ગયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયુ છે. આ શખ્સે ખાસ કરીને વ્યાજે રૂપિયા આપતા લોકોને પોતાનાં નિશાન બનાવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
કરોડો રૂપિયા લઇ રાતોરાત રફુચક્ક થઇ જવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે અનેક હોશિયાર લોકોને ટોપી પહેરાવી ફરાર થઇ જવાનો કિસ્સો વેરાવળ પંથકમાં બહાર આવ્યો છે. વેરાવળ પંથકનો આ યુવાન કરોડો રૂપિયાનુ 'ગામનુ કરી’ વિદેશ નાશી ગયો હોવાની ચર્ચાએ જોર પકડય છે. વેરાવળ પંથકનાં આ યુવાને પાંચેક વર્ષ પહેલા અભ્યાસનુ કામ કરી આપવા બદલ ઓસ્ટ્રેલીયાથી ગિફટમાં આઇફોન મળ્યા હતા. જે વેચતા તેમા જ દોઢથી બે લાખ રૂપિયા મળ્યા હતા. રોકાણ વિના લાખો રૂપિયા મળતા વધુ કમાવાની લાલચ જાગી હતી.
આ યુવાને પંથકમાં એવી હવા ફેલાવી કે, આઇ ફોનનાં અધિકારી સાથે સંબંધ થઇ ગયા છે. માટે બજાર કિંમત કરતા સસ્તા મળે છે. આ વાતમાં લોકો આવવા લાગ્યા અને રૂપિયા આપવા લાગ્યા હતા. શરૂઆતમાં તો આ યુવાન જે રકમ આપતા હતા તેમને નફા સાથે રૂપિયા પરત કરી દેતો હતો. આ રીતે લોકોને વિશ્વાસમાં લેવાનુ શરૂ કરી દીધુ હતુ. ધીમે ધીમે તેમનાં સકંજામાં આવતા ગયા હતા. જેમ જેમ લોકોની લાલચ વધતી ગઇ તેમ તેમ રૂપિયા ધિરનારા વધતા ગયા હતા. છેલ્લે આ રકમ દશ કરોડ થી પણ વટી ગયાની ચર્ચા જાગી છે.
આ યુવાને સમાન્ય લોકોને જ નહી પરંતુ મોટા માથાને પણ પોતાની માયાજાળમાં ફસાવી દીધા હતાં. તેમા પણ આ યુવાને વ્યાજે રૂપિયા આપતા લોકો મોટી સંખ્યામાં તેની ઝપટમાં આવી ગયા હતા. અંતે ઉધરાણી વધી જતા એક નાનુ એવું તરકટ પણ રચ્યું હતું. તેમાંથી બચી જતા આ યુવાન વિદેશ પલાયન કરી ગયો હોયની ચર્ચા ગામે ગામ થઇ રહી છે. આઇ ફોનથી શરૂ થયેલી સફર કરોડોએ પહોચી જતા વેરાવળ પંથકમાં ભારે ચકચાર જાગી છે.
મોટો રાજકારણીઓ પણ ઝપટે ચડી ગયાની ચર્ચા
વ્યાજખોરો, ધંધાર્થીઓને તો છોડયા જ નથી. જિલ્લાનાં મોટા ગજાનાં રાજકરણીઓ પણ ઝપટમાં આવ્યાની પણ કાનફાડી નાખે તેવી ચર્ચા થઇ રહી છે.
કેટલાક લોકોને તો ચેક આપ્યાની પણ ચર્ચા
છેલ્લે આ યુવાન પર ઉઘરાણી વધતી જતી હતી. કડક ઉઘરાણી થતા કેટલાકે ચેક પણ આપી દીધા હતા. પરંતુ આપેલા ચેક રીટન થયાની ચર્ચા જાગી છે.
બે વર્ષમાં ભવ્ય મકાન બનાવી લીધું 'તું
સમાન્ય મકાનમાં રહેતા આ યુવાને બે વર્ષનાં સમયમાં તો ભવ્ય મકાન પણ બનાવી લીધુ હતુ અને અહીંથી પસાર થતા આસપાસનાં ગામનાં લોકો પણ ચર્ચા કરતા થઇ ગયા હતા કે એટલી આવક ક્યાં થી થઇ છે ?