વડાલ ચોકડી પાસે ટાયર ફાટતા કાર ત્રણ ગોથાં ખાઇ ગઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટનાં પરીવારનો બચાવ માતા - પુત્રીને ઇજા

જૂનાગઢ નજીકનાં વડાલ ચોકડી પાસે આજે સવારનાં સ્કોડા મોટરકારનું ટાયર ફાટતાં કાર ફંગોળાઇ ગઇ હતી. અને રોડ પર જ ત્રણ ગોથાં મારી ગઇ હતી. જો કે અકસ્માતમાં રાજકોટનાં પરીવારનો ચમત્કારીક બચાવ થયો હતો. માતા અને પુત્રીને સામાન્ય ઇજા થતા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢ નજીકનાં વડાલ ચોકડી પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જા‍યો હતો. જેમા રાજકોટ આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજર અવતારસિંહ મદાન તથા તેમાનાં પત્ની સોના મદાન, પુત્રી કાતિક્ષા અને ચાર વર્ષનાં પુત્ર સાથે જૂનાગઢ થી રાજકોટ જવા રવાના થયા હતા.

એ દરમીયાન વડાલ ચોકડી પાસે સ્કોડા ગાડી જીજે ૧ કેએચ ૪૭૩૧ નાં ટાયરમાં પંચર પડતાં રોડ પર ગાડી ફૂટબોલની માફક ઉછળી હતી અને બે - ત્રણ ગોથાં મારી ગઇ હતી. બનાવની જાણ ૧૦૮ને થતા પાયલોટ જીતુભાઇ ગઢવી અને ડો. રોનક રૂપારેલ ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતમાં સોના મદાન અને તેમની પુત્રીને સામાન્ય ઇજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ જૂનાગઢ આઇસીઆઇસીઆઇ બેન્કનાં કર્મચારીઓને થતા સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતમાં પરીવારનો ચમત્કારીક બચાવ થયો હતો.