• Gujarati News
  • Boating By Fisher Man In Veraval District Latest News

વેરાવળ બંદરે બોટ લાંગરવામાં મુશ્કેલી, બોટ માલિકોમાં કચવાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોટ માલિકોમાં કચવાટ | કરોડોનું વિદેશી હૂંડીયામણ રળી આપવામાં વિશ્વભરમાં પ્રખ્યાત પણ આ વ્યથા વર્ષો જૂની
- સમસ્યા ઉકેલવાની વાતો સરકારની ફાઈલમાં બંધ : 800ની કેપેસીટી સામે 4200 જેટલી બોટ

વેરાવળ: દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ રળી આપતો મત્સ્યોદ્યોગના ફીશીંગ માટે વેરાવળ બંદર દેશ વિદેશમાં વિશ્વમાં વિખ્યાત છે. તેમજ અરબી સમુદ્રના પશ્ચિમ કિનારે ફીશીંગ માટે અનેક વિશેષતા ધરાવતુ વેરાવળ બંદરે છેલ્લા એક દાયકાથી ફીશીંગ બોટ લાંગરવાની ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહેલ છે ત્યારે આ સમસ્યા ઉકેલવા સરકાર માત્ર વાતો જ કરે છે. બંદરની સમસ્યા ઉકેલવા કોઇ નક્કર કામગીરી ન કરતું હોવાથી બોટો માલિકોમાં અસંતોષ સાથે રોષની લાગણી જન્મી છે.

અરબી સમુદ્ર કાંઠે ફીશીંગ માટે વિશ્વ વિખ્યાત એવા વેરાવળ બંદરનો ભવ્ય ભુતકાળ છે અને એક જમાનામાં આ બંદર ફીશીંગ ઉપરાંત અનેક ચીજ વસ્તુઓની આવક જાવકથી ટ્રાફિકથી ધમધમતું હતું. અને બંદર પરથી મોટા પ્રમાણમાં આયાત - નિકાસ ભુતકાળમાં થતી હતી. પરીણામે વેરાવળના લોકો તેમજ માછીમારોને જેનો મોટો લાભ સાથે સરકારને થતો હતો અને આ બંદર મત્સ્યદ્યોગ માટે નંબર વન બંદર તરીકે ખ્યાતી પામ્યું હતું. પરંતુ સમયાંતરે વેરાવળ બંદર તરફ સરકારોની ઉદાસીનતાના કારણે વર્ષો સુધી બંદરનો કોઇ વિકાસ ન થવાથી હાલ આ બંદરે બોટમાલીકોને પોતાની ફીશીંગ બોટ દરીયામાં પાર્ક કરવાની જગ્યા મળતી નથી.

આ બંદરમાં દરિયામાં બોટ લાંગરવાની કેપેસીટી 800ની છે જેની સામે વેરાવળ બંદરે નાની-મોટી મળી 4,200 જેટલી બોટો હોવાથી તેને લાંગરવામાં મુશ્કેલી બોટમાલીકોની થઇ રહેલ હોવાની સાથે તેઓને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડી રહેલ છે. આમ ખરા અર્થમાં બંદર વિકસાવવાની પાયારૂપ સમસ્યા જ બોટ માલિકો ભોગવી રહ્યાં છે.

આનાં કારણે તો બોટોનું રજીસ્ટ્રેશન બંધ

વેરાવળ બંદર પર માછીમારોને પડતી મુશ્કેલીઓનો સ્વીકાર કરતા ફીશરીઝ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર એમ.જી. મકવાણાએ જણાવેલ હતું કે, હાલ વેરાવળ બંદરે 800 બોટ લાંગરવાની ક્ષમતા છે જેની સામે 3,000 જેટલી મોટી બોટો તેમજ 1250 જેટલી નાની ફાયબર બોટો મળી કુલ 4,250 બોટો હોવાથી બંદર પર લાંગરવાની ક્ષમતા કરતા વધુ બોટો હોવાથી છેલ્લા દસેક વર્ષથી લાંગરવાની સમસ્યા સર્જાય છે અને આ સમસ્યાના કારણે ફીશરીઝ વિભાગ દ્વારા નવી બોટોનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવેલ છે. તેમજ બહારનાં રાજયોની બોટોને વેરાવળ બંદર પર લાંગરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

જાલેશ્વર વિસ્તારમાં સગવડ માટે વિચારણા

ફીશરીઝના ડાયરેકટર મકવાણાએ વધુમાં જણાવેલ હતું કે, વેરાવળ બંદરે બોટો લાંગરવાની સમસ્યાના ઉકેલ માટે નજીકનાં જાલેશ્વર વિસ્તાર તરફના દરિયાકાંઠે નવું બંદર બનાવવા માટે સરકારમાં વિચારણા ચાલી રહેલ છે અને આ અંગે ભારતમાં બંદરના નિર્માણ કરતી બેંગ્લોરની નેશનલ હાર્બર પ્રોજેકટ નામની સંસ્થા દ્વારા થોડા સમય પહેલા જાલેશ્વર વિસ્તારનો સર્વે કરવામાં આવેલ છે.