તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો, સ્પષ્ટ બહુમતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ત્રણ અને કોંગ્રેસનો બે બેઠક પર વિજય : ભાજપનું સંખ્યાબળ ૧૧ થયું

સુત્રાપાડા તાલુકા પંચાયતની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં આજે યોજાયેલ મતગણતરીમાં ભાજપનો ત્રણ અને કોંગ્રેસનો બે બેઠક પર વિજય થતાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૧નું થતાં સ્પષ્ટ બહુમતી સાથે શાસન પર કબજો જાળવી રાખ્યો છે.

સુત્રાપાડા તાલુકા પંચાયતની વર્ષ ૨૦૧૧ની આખરમાં ચૂંટણી યોજાયેલ જેમાં કોંગ્રેસને ૯ અને ભાજપને ૮ બેઠકો મળતાં કોંગ્રેસે શાસન હસ્તગત કરી નારણભાઇ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં. ત્યારબાદ છ મહિનામાં જ કોંગ્રેસનાં પાંચ સભ્યોએ બળવો કરી ભાજપ સાથે ભળી જતાં ભાજપનાં ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર ધાનીબેન ટપુભાઇ વાજા (ગોરખમઢી) પ્રમુખ પદે બિરાજમાન થયાં હતાં.

ત્યારબાદ કોંગ્રેસનાં પાંચ સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થતાં ભાજપ બહુમતમાં આવી જતાં ભાજપનાં ભગવાનભાઇ ખુંટડ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવી હાલ કાર્યરત છે. ત્યારબાદ આ પાંચ ખાલી બેઠકોની પેટાચૂંટણી યોજાતાં અને આજે પરિણામ જાહેર થતાં ભાજપનાં ત્રણ ઉમેદવારો અનુક્રમે લોઢવા બેઠકમાં રામભાઇ દેવાયતભાઇ વાઢેર (૧૫૨૪ મતો), અમરાપુર બેઠકમાં વિજયાબેન વાળા (૨૧૨ મતો) અને ગોરખમઢી બેઠકમાં ધાનીબેન વાજા (૭૧૨ મતો) વિજયી થયાં હતાં.

જ્યારે કોંગ્રેસનાં બે ઉમેદવારો અનુક્રમે મોરડીયા બેઠકમાં ભગવાનભાઇ (૨૮૦ મતો) અને સીંગસર બેઠકમાં ફતેઅલીભાઇ (૫૪૬ મતો) વિજયી થયાં હતાં. ભાજપનાં ત્રણેય વિજયી ઉમેદવારોને જિ.પં. શિક્ષણ સમિતિનાં ચેરમેન સુરસિંહભાઇ મોરી સહિતનાં આગેવાનોએ અભિનંદન પાઠવ્યાં હતાં. આમ ભાજપે કુલ ૧૧ બેઠકો અંકે કરી તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી.

- બે વર્ષનાં તાલુકા પંચાયતનાં શાસનમાં ત્રણ પ્રમુખ બદલાયા

તા.પં.નાં બે વર્ષનાં શાસનમાં અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ પ્રમુખ બદલાઇ ગયા છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં બે પૂર્વ પ્રમુખ રામભાઇ વાઢેર અને ધાનીબેન વાજા ફરી ચૂંટાઇ આવતાં પ્રમુખનાં હોદા પર પરિવર્તન આવશે કે શું ? એ જોવાનું રહેશે.

- કોંગ્રેસે બેઠકો ગુમાવી : સંખ્યાબળ ઘટીને ૬નું થયું : છાવણીમાં સોપો

યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બે બેઠકો ગુમાવી દેતાં અને અગાઉ કોંગ્રેસનાં પાંચ બળવાખોર સભ્યો સસ્પેન્ડ થતાં હવે તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને છ નું થઇ ગયું છે.