બિહારનો શખ્સ સૌરાષ્ટ્રમાં મોકલતો ‘તો હથિયાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૭ માસ પહેલાં ઝડપાયેલી રાજકોટની મહિલાને હથિયાર આપનારનો બિહારની મુંગેર જેલમાંથી કબ્જો મેળવાયો

જૂનાગઢ તાલુકામાં બિલખાથી ખડીયા જતા રોડ પર માંડણપરાનાં પાટિયા પાસેથી રાજકોટની એક કુખ્યાત મહિલા ૭ માસ પહેલાં પીસ્તોલ સાથે ઝડપાઇ હતી. આ મહિલાને પીસ્તોલ અને કારતુસ પહોંચાડનાર બિહારનાં શખ્સનો એલસીબીએ મુંગેરે જેલમાંથી કબ્જો મેળવ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, રાજકોટની સોનુબેન ચંદુભાઇ ડાંગર નામની મહિલા પાસેથી ગત તા. ૨૨ ઓકટો. ૨૦૧૨ નાં રોજ એલસીબીએ રૂ. ૧ લાખ ૨૦ હજાર ૨૦૦ ની કિંમતની બે પીસ્તોલ અને ૪ કારતુસ પકડી પાડ્યા હતા. જૂનાગઢ તાલુકાનાં બિલખાથી ખડીયા જતા રોડ પર માંડણપરાનાં પાટિયા પાસેથી આ મહિલા ઝડપાઇ હતી. આ હથિયારનો જથ્થો સોનુ ડાંગરને મુકેશ નરેશપ્રસાદ સિંહ (રે. મુંગેર, બિહાર) પાસેથી મેળવ્યો હોવાની કેફિયત સોનુએ આપી હતી.

આથી ગેરકાયદેસરનાં મુખ્ય હથિયાર સોદાગરની તપાસ માટે એલસીબી પીઆઇ હરેશ બી. વોરાએ તેનો બિહારની મુંગેર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો હતો. અને આ હથિયારો તેણે ક્યાંથી મેળવ્યાં અને તેમાં વધુ કોણ કોણ સંડોવાયા છે તેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. એ સિવાય બીજી કઇ કઇ જગ્યાએ આ શખ્સની સંડોવણી છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. સાથો સાથ હથિયારો કોને પહોંચાડયા હતા તેની પણ વિગતો મેળવવામાં આવશે.